એશિયન ગ્રેનિટોનો નાણાંકીય વર્ષ 2022માં મજબૂત વૃદ્ધિ દર જાળવી રાખવાનો લક્ષ્યાંક
અમદાવાદ, ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) નાણાંકીય વર્ષ 2022માં મજબૂત વૃદ્ધિ દર જાળવી રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
વ્યૂહાત્મક વૃદ્ધિ પહેલ, કાર્યક્ષમતા, નાણાંકીય સમજદારી, ભૌગોલિક અને પ્રોડક્ટ વિસ્તરણ ઉપરાંત નીચા મૂડી ખર્ચ તથા વિસ્તરણ માટે એસેટ લાઈટ મોડલ જેવા પરિબળોના લીધે વર્તમાન નાણાંકીય વર્ષ માટે આવક તથા માર્જિનમાં વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતા છે. કંપનીએ દેવું ઘટાડવા અને વિસ્તરણ કામગીરી માટે રૂ. 225 કરોડના રાઈટ્સ ઈશ્યૂની જાહેરાત કરી છે.
નાણાંકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીએ ચોખ્ખા વેચાણોમાં 68 ટકા, એબિટામાં 100 ટકા તથા ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 181 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. નાણાંકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં નિકાસોમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો હતો. નિકાસોમાં મજબૂત માંગ ઉપરાંત દ્વિતીય તથા તૃતીય કક્ષાના નગરો અને ગ્રામીણ વિસ્તારોમાં મોટાપાયે માંગના લીધે આ ઉત્કૃષ્ટ કામગીરી જોવાઈ હતી.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે “કાર્યક્ષમતા સુધારવા, નાણાંકીય સમજદારી, પડતર ઓછી કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી કંપનીએ અનેક પગલાં લીધા છે જેના લીધે નાણાંકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં મજબૂત કામગીરી જોવા મળી છે.
આ ઉપરાંત, કુદરતી ગેસના આર્બિટ્રેજ ભાવ માટે મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે જ્યારે પ્રોપેન ગેસના ભાવ કુદરતી ગેસના ભાવ કરતાં ઓછા જાય ત્યારે કુદરતી ગેસના બદલે પ્રોપેન ગેસનો ઉપયોગ કરવો. અમે માનીએ છીએ કે સરકારી ખર્ચ, દ્વિતીય તથા તૃતીય કક્ષાના નગરોમાં ફરીથી ઊભી થયેલી માંગ તથા માંગ બદલી જેવા કારણોના લીધે સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ મજબૂત રહેવાની શક્યતા છે.”
સારી સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય માંગના લીધે નાણાંકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીનો સરેરાશ ક્ષમતા ઉપયોગ 95 ટકા જેટલો રહ્યો હતો. કાર્યક્ષમતામાં સુધારો, નાણાંકીય સમજદારી તથા તંદુરસ્ત પ્રોડક્ટ મિક્સના લીધે માર્ચ, 2021ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીના એબિટા માર્જિન વધીને 9.5 ટકા થયા હતા. માર્ચ, 2021માં ક્ષમતા ઉપયોગ પણ વધીને 95 ટકા જેટલો થયો હતો.
છેલ્લા કેટલાક સમયથી કંપની બીટુબીના બદલે બીટુસી બિઝનેસ મોડલ તરફ ઝુકી રહી છે અને વિસ્તરણ માટે એસેટ લાઈટ તથા કેપિટલ લાઈટ મોડલ પર ધ્યાન આપી રહી છે. આજે કંપનીના કુલ વેચાણમાં રિટેલ વેચાણનો હિસ્સો 42 ટકા છે જે થોડા વર્ષો પહેલા લગભગ 20 ટકા હતો.
રિટેલ વેચાણમાં વધારાના લીધે કંપી માટે મજબૂત બ્રાન્ડ વેલ્યુ ઊભી થઈ છે, ઓછા માર્જિનવાળા પ્રોજેક્ટના વેપાર પરનો મદાર ઘટ્યો છે તથા માર્જિનમાં સુધારો થયો છે. વ્યૂહાત્મક રીતે કંપનીએ એકંદરે કન્સોલિડેટેડ દેવામાં રૂ. 35 કરોડનો ઘટાડો કર્યો છે જેના લીધે ડેટ ઈક્વિટી રેશિયો 0.5એક્સથી પણ ઓછો થયો છે. કંપની આગામી વર્ષમાં દેવામાં વધુ ઘટાડો કરવા માટે પ્રતિબદ્ધ છે એમ શ્રી પટેલે જણાવ્યું હતું.
કંપની તેના રિટેલ ટચ પોઈન્ટ્સમાં વધારો કરીને 10,000થી વધુ કરવા તથા એક્સક્લુઝિવ શોરૂમ્સ વધારીને 500થી વધુ કરવાનો લક્ષ્યાંક રાખી રહી છે. આગળ જતાં કંપની તેના કુલ વેચાણમાં રિટેલ વેચાણનો હિસ્સો વધારીને 50 ટકા કરવાની યોજના ધરાવે છે.
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ સિરામિક ફ્લોર, ડિજિટલ વોલ, વિટ્રિફાઈડ, પાર્કિંગ, પોર્શલેન, ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ, આઉટડોર, નેચરલ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ક્વાર્ટ્ઝ સહિતની વિશાળ શ્રેણીની પ્રોડક્ટ્સ ધરાવે છે. પોતાના ગ્રાહકોને સંપૂર્ણ બાથિંગ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે કંપનીએ તેના સેનિટરી ડિવિઝનમાં સીપી ફિટિંગ્સ અને ફોસેટ્સ પણ ઉમેર્યા છે. કંપની માને છે કે આગામી વર્ષોમાં સિરામિક ઉદ્યોગ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે. વર્તમાન વર્ષની સફળતાનું કંપની આગામી વર્ષોમાં પણ પુનરાવર્તન કરવા માંગે છે.