એશિયન ગ્રેનિટોનો FY2019-20 નો બીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 12.61 કરોડ થયો
- ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખા વેચાણો રૂ. 356.90 કરોડ થયા જે વાર્ષિક ધોરણે 26.3 ટકાનો વધારો દર્શાવે છે
- ત્રિમાસિક ગાળામાં નિકાસો રૂ. બાવન કરોડ રહી જે વાર્ષિક ધોરણે 79 ટકા વધી
નવેમ્બર 12, 2019 – ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાંની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) નાણાંકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિક ગાળામાં અભૂતપૂર્વ નાણાંકીય કામગીરીનું પ્રદર્શન કર્યું છે. સ્થાનિક બજારમાં વેચાણમાં 20 ટકા વૃદ્ધિ, નિકાસોમાં 80 ટકાનો વધારો અને એબિટા માર્જિનમાં 179 બેસિસ પોઈન્ટસના સુધારા સાથે એજીઆઈએલે સપ્ટેમ્બર 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. 12.61 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 4.45 કરોડના ચોખ્ખા નફા કરતાં 183 ટકા વધુ છે.
સ્થાનિક બજારોમાં ભૌગૌલિક વિસ્તરણ, નિકાસો પર વધુ ધ્યાન અને ટકાઉ માર્કેટિંગના પગલે સપ્ટેમ્બર 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે કુલ વેચાણો રૂ. 356.90 કરોડ રહ્યા હતા જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ. 282.52 કરોડના ચોખ્ખા વેચાણો કરતાં 26.3 ટકા વધુ હતા.
નાણાંકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 29.16 કરોડ (એબિટા માર્જિન 8.17 ટકા) રહી હતી જેની સરખામણીએ નાણાંકીય વર્ષ 2018-19ના બીજા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. 18.03 કરોડ (એબિટા માર્જિન 6.38 ટકા) રહી હતી. હાઈ માર્જિન પ્રોડક્ટ્સમાં સરેરાશ રિયલાઈઝેશનમાં થયેલો સુધારો, અસરકારક પ્રોડક્ટ મિક્સ, ઉત્પાદન ક્ષમતામાં સુધારો અને ઊંચા કેપેસિટી યુટિલાઈઝેશનના લીધે આ શક્ય બન્યું હતું. નાણાંકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિક ગાળા માટે શેરદીઠ આવક રૂ. 4.23 રહી હતી.
કંપનીની નાણાંકીય કામગીરી અંગે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને નાણાંકીય વર્ષ 2020ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો રજૂ કરતાં ખૂબ સંતોષની લાગણી થાય છે.
દેશમાં પડકારજનક આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની કામગીરી ઉત્કૃષ્ટ રહી છે. કંપનીની ઓપરેશનલ ક્ષમતા સુધારવા, પ્રિમિયમ ટાઈલ્સ સેગમેન્ટ તથા માર્બલ અને ક્વાર્ટ્ઝ ડિવિઝન પર ધ્યાન વધારવા અને વિવિધ પ્રદેશોમાં રિટેલ ક્ષેત્રે હાજરી વધારવા માટે બિનખર્ચાળ વ્યૂહરચનાઓ અપનાવવા સહિત એજીઆઈએલે વિવિધ સ્તરે પગલાં લેવાના શરૂ કર્યા છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન નિકાસો અને કિંમતોમાં ફેરફાર અંગે તેમણે ઉમેર્યું હતું કે વિદેશી બજારોમાં અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિક ગાળામાં કુલ આવકોમાં નિકાસોનો ફાળો 15 ટકા રહ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાં 10 ટકા હતો. નાણાંકીય વર્ષ 2020ના બીજા ત્રિમાસિક ગાળામાં નિકાસ વેપારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. સરેરાશ કિંમત પ્રાપ્તિમાં ત્રિમાસિક ગાળા દરમિયાન 15 ટકાનો વધારો થયો છે અને ક્ષમતાનો ઉપયોગ 75 ટકા રહ્યો હતો.