એસટી બસનાં કંડકટરનું ખિસ્સુ કપાયુંઃ ૨૨ હજારની મત્તાની ચોરી
અમદાવાદ : અમદાવાદમાં ચોરો અને તસ્કરો બેફામ બન્યાં છે. સામાન્ય લોકોનાં લુંટતા ગુનેગારોનાં હાથ હવે સરકારી કર્મચારીઓનાં ખિસ્સા સુધી પહોંચ્યા છે. કેટલાંક દિવસ અગાઊ એએસઆઈનાં ખિસ્સામાંથી ચોરીની ઘટના બાદ હવે એસટી બસનાં કંડકટરનું ખિસ્સુ કપાયું છે. આ કંડક્ટરના રૂપિયા ૨૨ હજારની મત્તાની ચોરી થઈ છે.
રાજસ્થાન એસટીમાં બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતાં કાનસિંહ બેરીસાલસિંહ રાઠોડ જાધપુરનાં રહેવાસી છે. મંગળવારે વહેલી સવારે એસટી બસમાં મુસાફરો સાથે અમદાવાદ ગીતા મંદિર ખાતે પહોંચેલાં કંડકટર કાનિંહ અને ડ્રાઈવર સોનારામને બીજી શિફ્ટમાં પરત ફરવાનું હોવાથી તે બસને લોક કરીને તેમાં જ સુઈ ગયા હતાં. આશરે સવારે છ વાગ્યે કાનસિંહની આંખ ખુલતાં તેમણે પોતાનાં મોબાઈલ માટે ખિસ્સા ફંફોસતાં તે મળી આવ્યા નહતા.
ઊપરાંત ખિસ્સામાંથી રૂપિયા સાત હજારની રોકડ પણ ગાયબ હતી. જેનાં પગલે શોધખોળ કરવા છતાં રોકડ કે મોબાઈલ મળી આવ્યા ન હતા. જેથી કાનસિંહ ડ્રાઈવર સોનારામને લઈને હવેલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં સાત હજાર રોકડ તથા ૧૫ હજારનાં મોબાઈલ ફોન સહિત કુલ ૨૨ હજારની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી છે.