Western Times News

Gujarati News

એસપી પરીક્ષિતા રાઠોડ સામે તાનાશાહીના આક્ષેપ

અમદાવાદ, ગુજરાત રેલવે પોલીસના એસપી પરીક્ષિતા રાઠોડ સામે લોક રક્ષક દળ (એલઆરડી)ના જવાને તાનાશાહીના ગંભીર આક્ષેપો કર્યા છે. આ જવાને એસપી સામે રાજ્યના ગૃહ વિભાગને લેખિત ફરિયાદ કરી છે. જાેકે, બદલી થયાના લગભગ એક વર્ષ પછી આ ફરિયાદ થતા ઘણા સવાલો પણ ઊભા થયા છે.

જ્યારે બીજી તરફ એસપી પરીક્ષિતા રાઠોડે પોતાના સામે કરાયેલા આક્ષેપોને ખોટા અને પાયાવિહોણા જણાવ્યા છે. ગુજરાત રેલવેના જામનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મૂળ હિંમતનગરના એલઆડી જવાન રાજેન્દ્રસિંહ ઝાલાએ એસપી પરીક્ષિતા રાઠોડ સામે આ ફરિયાદ કરી છે.

રાજેન્દ્રસિંહ પહેલા અમદાવાદમાં ફરજ બજાવતા હતા. બાદમાં તેમની જામનગર ખાતે બદલી કરાઈ હતી. રાજન્દ્રસિંહે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, તેઓ રેલવે પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. તેમની આરએસઆઈએ બદલી કરી પરીક્ષિતા રાઠોડના ઘરે ઓર્ડલી તરીકે મુક્યા હતા. જ્યાં પરીક્ષિતા રાઠોડે સોંપેલા ઘરના કામો કરવાની તેમણે ના પાડતાં પરીક્ષિતા રાઠોડે અપમાનજનક શબ્દો બોલી દ્વેષભાવ રાખી તેમની જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં બદલી કરી હતી.

આ દરમિયાન સારવાર નહીં અપાવી શકાતા તેમના પિતાનું મૃત્યુ પણ થયું હતું. અરજીમાં તેમણે કહ્યું છે કે તેમની માનસિક હાલત આત્મહત્યા કરવી પડે તેવી છે. એલઆરડી જવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, એસપી પરીક્ષિતા રાઠોડે તેની તેમજ અન્ય બે જવાનો વિકાસ ચૌધરી અને ધર્મેન્દ્ર ભાગોરાની દ્વેષભાવ અને જ્ઞાતિવાદ રાખીને બદલી કરી નાખી હતી.

રાજેન્દ્રસિંહની જામનગર, વિકાસ ચૌધરીની રાજકોટ અને ધર્મેન્દ્રની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત અરજીમાં રાજેન્દ્રસિંહે આક્ષેપ કર્યો છે કે, તેની બદલીના ૫ મહિના પછી તેની સાથે હતા તેવા અન્ય બે પોલીસકર્મીઓ મુકેશ દેસાઈ અને કિશોર પ્રજાપતિને ઓર્ડલી તરીકે રહેવા માગતા ન હોવાથી બદલી કરી દેવામાં આવી હતી.

અરજીમાં જણાવાયું છે કે, મુકેશ દેસાઈની રાજકોટ અને કિશોર પ્રજાપતિની ગાંધીધામ બદલી કરી દેવામાં આવી. પોતાના પર મૂકાયેલા આ આક્ષેપ અંગે એસપી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું કે, એલઆરડી જવાન દ્વારા કરાયેલા આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે.

તેમણે કહ્યું કે, હું પોલીસ પરિવારની સભ્ય છું. મારા ઘરે કામ કરતા તમામ કર્મચારીઓ સાથે પારિવારિક ભાવના ધરાવું છું. દરેકની અંગત દેખભાળ પણ રાખીએ છીએ. રાજેન્દ્રસિંહે તેમની બદલી કરાતાં દ્વેષભાવથી મારી વિરુધ્ધ આક્ષેપો કરતી અરજી કરી છે, જે તદ્દન ખોટા આક્ષેપો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.