એસ્ટેટ બ્રોકરને હની ટ્રેપમાં ફસાવી ૧૦ લાખની માગણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/iPhone-1024x576.jpg)
અમદાવાદ: સેટેલાઈટનાં પ્રહલાદનગર રોડ પર મારૂતી હિલ્સ બંગ્લોઝમાં રહેતાં એસ્ટેટ બ્રોકરને હની ટ્રેપમાં ફસાવી માર મારવામાં આવ્યો હતો. આરોપીએ બ્રોકરનો વીડીયો બનાવી રૂ.૧૦ લાખની માંગણી કરી બાદમાં રૂ.૧ લાખની રોકડ અને સોનાની ચેઈનની લૂંટ ચલાવી હતી. આ મામલો આટલેથી અટક્યો નહીં ને આરોપીઓએ વધુ રકમની માંગણી કરતા સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. સેટેલાઈટમાં મારૂતી હિલ્સ બંગ્લોઝમાં રહેતા મનન પરીખ એસ્ટેટ બ્રોકર તરીકે વ્યવસાય કરે છે.
ગત ૧૨ જૂનનાં રોજ મનનભાઈ પર અજાણ્યા નંબરથી માનસી નામની યુવતીનો ફોન આવ્યો હતો. બાદમાં મેસેજથી વાતચીત શરૂ થઈ હતી. માનસીએ ૧૬ જૂનનાં રોજ મનનભાઈને ઝાયડસ હોસ્પિટલ મળવા માટે બોલાવ્યા હતાં. મનનભાઈની ગાડીમાં માનસી બેસી ગઈ બાદમાં બંને ૪૫ મિનિટ સુધી જાેડે ફર્યા હતાં. તે સમયે માનસીએ તેના ફોનથી અજાણ્યા વ્યક્તિને મિસ કોલ કર્યો હતો. ઝાયડસ હોસ્પિટલ પાસે મનને કાર ઊભી કરતા નંબર પ્લેટ વગરની કારમાં ૪થી ૫ જેટલા શખ્સો આવ્યાં હતાં. આ લોકોએ માનસીને તેનાં એક્ટિવા પર રવાના કરી દીધી.
બાદમાં મનનભાઈને તેઓની કારમાં બેસાડી અડાલજ પાસે લઈ ગયા હતાં. તે દરમ્યાન પાછળ બીજી કારમાં બીજા બે લોકો આવતા હતાં. તમામ લોકોએ મનનભાઈને માર મારી તેનો વીડીયો બનાવ્યો અને સમાધાનનાં રૂ.૧૦ લાખ માંગ્યા પણ છેલ્લે ૫ લાખમાં માન્યા હતાં. ૩ થી ૪ મિત્રોને મનનભાઈએ ફોન કર્યા પણ કોઈની પાસે પૈસાની વ્યવસ્થા થઈ નહીં. બાદમાં પોતાના છ્સ્ કાર્ડથી અને એક મિત્રનાં છ્સ્ કાર્ડથી રૂ.૧ લાખ ઉપાડી આપ્યા હતાં. બીજા ૪ લાખ પેટે આરોપીઓએ અઢી તોલા વજનની સોનાની ચેઈન લઈ લીધી હતી.
આ ઘટનાનાં ૫ દિવસ બાદ વિહાભાઈ ઉર્ફ આકાશ દેસાઈએ ફોન કરીને બીજી રકમની માંગણી કરતા મનન પરીખે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. સોલા પોલીસે આકાશ ઉર્ફ વિહાભાઈ અમરત દેસાઈ, મેહુલ ઉર્ફ રવિ જીવાભાઈ દેસાઈ, વરુણ દેસાઈ, જયેશ દેસાઈ, હિરેન દેસાઈ, શુભમ દેસાઈ અને માનસી નામની યુવતી અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધાં છે જ્યારે યુવતી માનસી અને અન્ય એક આરોપીની શોધખોળ હજી ચાલુ છે.