એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર ઈટલી, જર્મનીમાં પ્રતિબંધ
પેરિસ: અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર મુશ્કેલી ઊભી કરી રહી છે, તો બીજી તરફ કોવિડ-૧૯ની વેક્સીન એસ્ટ્રાજેનેકા પર યૂરોપના અનેક દેશોમાં અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. કેટલાક દેશોમાં આ વેક્સીનના કારણે લોહી જામી જવાના રિપોર્ટ સામે આવ્યા બાદ ફ્રાન્સ, ઈટલી અને જર્મનીએ તેના ઉપયોગ પર હાલ પ્રતિબંધ મૂકી દીધો છે.
ઈટલીમાં એક ૫૭ વર્ષીય શિક્ષકનું વેક્સીન લીધાના થોડા સમય બાદ મોત થયાના અહેવાલે અનેક આશંકાઓ ઊભી કરી દીધી છે. ઈટલીએ આ મોતની તપાસ માટે ઓટેપ્સી કરાવવા માટે કહ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુઅલ મૈક્રોંએ કહ્યું કે, તેમના દેશમાં પણ તકેદારીના ભાગ રૂપે ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકા વેક્સીન પર મંગળવાર સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
આ જ દિવસે યૂરોપીયન મેડિસિન એજન્સી આ વેક્સીન પર પોતાનો રિપોર્ટ આપશે. તેઓએ કહ્યું કે, ફ્રાન્સને આશા છે કે ટૂંક સમયમાં જ એસ્ટ્રાજેનેકા વેક્સીન ફરીથી લોકોને આપવામાં આવશે. આ દરમિયાન, જર્મનીમાં પણ સોમવારે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન પર રોક લગાવી દીધી.
જાેકે કંપનીએ દાવો કર્યો કે આ વેક્સીનનો એવો કોઈ દુષ્પ્રભાવ નથી થયો. નોંધનીય છે કે યૂરોપના અનેક દેશો ઉપરાંત ભારતમાં કોરોનાની બીજી લહેર મુશ્કેલીનું કારણ બની ગઈ છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસો બાદ અનેક પ્રકારની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે.