એસ્સાર જૂથના વડા શશિ રૂઈઆનું ૮૦ વર્ષની વયે નિધન
અમેરિકામાં સારવાર કરાવીને હજી ગયા મહિને જ તેઓ ભારત પરત ફર્યાં હતાં
શશિ રૂઈઆએ પોતાના ભાઈ રવિ સાથે મળીને મેટલથી લઈને ટેન્કોલોજી એમ વિવિધ ક્ષેત્રે કાર્યરત એવા એસ્સાર ઉદ્યોગ જૂથની સ્થાપના કરી હતી
નવી દિલ્હી,
દેશના જાણીતાં ઉદ્યોગપતિ અને એસ્સાર જૂથના સહસ્થાપક શશિકાંત રૂઈઆનું ૮૦ વર્ષની જૈફ વયે લાંબી માંદગી બાદ સોમવારે મોડી રાત્રે મુંબઈમાં નિધન થયું હતું. અમેરિકામાં સારવાર કરાવીને હજી ગયા મહિને જ તેઓ ભારત પરત ફર્યાં હતાં. તેમના પરિવારમાં પત્ની મંજુ અને બે પુત્રો પ્રશાંત અને અંશુમાનનો સમાવેશ થાય છે. રૂઈઆ પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે રૂઈઆ અને એસ્સાર પરિવારના વડા શશિકાંત રૂઈઆનું લાંબી બીમારીને પગલે નિધન થયું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કંપની બાબતોના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રૂઈઆના નિધન અંગે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, શશિ રૂઈઆના નિધનથી દેશને વણપુરાય તેવી ખોટ પડી છે. દેશની વૃદ્ધિમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે. શશિ રૂઈઆએ પોતાના ભાઈ રવિ સાથે મળીને મેટલથી લઈને ટેન્કોલોજી એમ વિવિધ ક્ષેત્રે કાર્યરત એવા એસ્સાર ઉદ્યોગ જૂથની સ્થાપના કરી હતી.
૧૯૬૫ની સાલમાં પિતા નંદ દિશોર રૂઈઆના માર્ગદર્શન હેઠળ કારકિર્દીની શરૂઆત કરનાર શશિ અને રવિ રૂઈઆએ ૧૯૬૯માં એસ્સારનો પાયો નાખ્યો હતો. પ્રારંભિક વર્ષાેમાં એસ્સારે બાંધકામ અને એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રીત કરી દેશના વિવિધ રાજ્યોમાં પુલ, ડેમ અને પાવર પ્લાન્ટ્સનું નિર્માણ કર્યું હતું. ત્યાર પછીના વર્ષાેમાં તેમના નેતૃત્વ હેઠળ કંપનીએ સ્ટીલ અને ટેલિકોમ ક્ષેત્રમાં નોંધપાત્ર આગેકૂચ કરી અને ગુજરાતમાં મોટા સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરી હતી. ss1