એસ.ટી.બસના ચાલકે માલપુર નજીક ટ્રકને ટક્કર મારતા સર્જાયો અકસ્માત,મુસાફરોનો બચાવ
ભિલોડા: સલામતી સવારી એસટી અમારી સુત્રમાં એસટીને સલામત તરીકે ચિતરવામાં આવી છે, પરંતુ ગુજરાત એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી રહ્યા છે એસટી ડેપોમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓ નશામય હાલતમાં ઝડપાઈ ચુક્યા છે એસટી બસ ડ્રાઈવર નશાની હાલતમાં બસ હંકારી મુસાફરોના જીવ સંકટમાં મુકતા છાસવારે બનતી ઘટનાઓના પગલે ડેપોમાં કર્મચારીઓએ નશો કર્યો છે કે નહિ તે જાણવા બ્રેથ એનલાઇઝર મશીન પણ આપવામાં આવ્યા છે
પરંતુ “આરંભે સુરા” ની માફક હવે બ્રેથ એનલાઇઝર મશીનો પણ ધૂળ ખાઈ રહ્યા હોય તેવી સ્થિતી પ્રવર્તી રહી છે દાહોદ થી ડીસા તરફ જતી બસ માલપુર નજીક પહોંચતા ચાલક જાણે મુસાફરોના જીવ સાથે રમત રમી રહ્યો હોય તેમ સર્પાકાર હંકારી ટ્રકને અથડાવી અકસ્માત સર્જ્યો હતો બસ ડ્રાઈવર નશામાં હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો હતો અકસ્માતની ઘટના પછી જાણે કઈ ન બન્યું હોય તેમ ડ્રાઈવર એસટી કેન્ટીનમાં મીઠાઈ ખાઈ રહ્યો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા
દાહોદ થી ડીસા તરફ જતી બસ (ગાડી.નં-GJ 18 Z 6100)ના ચાલકે બસ બેફામ ગતિએ અને બસ હાલક ડોલક રોલાતા બસમાં મુસાફરી કરી રહેલા ૧૪ મુસાફરોના જીવ તળિયે ચોંટ્યા હતા દાહોદ ડીસા બસના ચાલકે માલપુર બસ સ્ટેન્ડ પાસે ટ્રકને અથડાવી દેતા ટ્રક ચાલકે જોરદાર બ્રેક મારતા ગમખ્વાર અકસ્માતની ઘટના સહેજ માટે બચી હતી બસે ટ્રકને ટક્કર મારતા આગળનો કાચ તૂટી રોડ પર ખરી પડ્યો હતો
એસટી બસનો ચાલક નશામય હાલતમાં હોવાનો અકસ્માત સ્થળે ઉપસ્થીત લોકો અને મુસાફરોએ આક્ષેપ કરાતા માલપુર ડેપો પરના અધિકારીએ માલપુર પોલીસને જાણ કરતા તાબડતોડ માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડ્રાઈવરને સરકારી ગાડીમાં બેસાડી મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો
ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ જેને દારૂ પીવો હોય તે ગમે ત્યારે પી શકે છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના એસટી ડેપોના શૌચાલયમાં અને આજુબાજુના વિસ્તારોમાં વિદેશી દારૂ, બીયરના ટીન અને દેશી દારૂની કોથળીયો પડી હોવાની અનેક બૂમો સમય અંતરે ઉઠી છે. થોડા વર્ષ અગાઉ મોડાસાના એસટી ડેપોમાં રાત્રીના સુમારે દારૂની મહેફિલ જામતી હોવાથી એસટી ડેપોના ધાબા પરથી વિદેશી દારૂની ખાલી બોટલ અને બીયરના ટીન મળી આવ્યા હતા.