એસ.વી.પી.માં દાખલ દર્દીઓ કયા રોગની સારવાર લઈ રહ્યા છે ?
મ્યુનિ.ક્વોટાની બેડની સંખ્યા કરતા એક્ટીવ કેસની સંખ્યા ઓછીઃ અધિકારીઓના આંકડાકીય ચક્રવ્યૂહમાં ફસાતા નાગરીકો
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેર “સ્માર્ટ” બન્યું કે કેમ ? તે ચર્ચાનો વિષય છે. પરંતુ કોરોનાકાળમાં મ્યુનિ.તેમજ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ ખરા અર્થમાં “સ્માર્ટ” સાબિત થયા છે. મ્યુનિ.કોવિડ ટીમ દ્વારા રચવામાં આવેલ આંકડાકીય માયાજાળમાં નાગરીકો ફસાઈ રહ્યા છે. દિવાળીની મધરાતથી કેસ વધવાની બુમરાણ વચ્ચે એક્ટીવ કેસમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી. જ્યારે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં એક્ટીવ કેસમાં ઘટાડો મ્યુનિ. ક્વોટા બેડમાં વધારો થયો હોવા છતાં દર્દીઓ એડમીટ થવા માટે વલખા મારી રહ્યાં છે. જ્યારે એસવીપીમાં સામાન્ય નાગરીકોને જગ્યા મળતી નથી મ્યુનિ.ક્વોટાના બેડ કરતા દર્દીઓની સંખ્યા ઓછી હોય તો એસવીપીમાં કોણ અને કયા રોગના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે ગાંધીનગરથી નિયુક્ત થયેલા અધિકારીઓ અને મ્યુનિ.ટીમે જવાબદારીમાંથી મુક્ત થઈને “૧૦૮”ને હવાલો સોંપ્યો છે. જેને દર્દીઓને માત્ર સીવીલ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં વધુ રસ હોવાની ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૫-૨૦ દિવસથી કોરોનાનો જેટલો કહેર વધ્યો છે કે તેના કરતા અધિકારીઓની કામગીરી વધુ પીડાદાયક સાબિત થઈ છે. દિવાળી તહેવારો દરમ્યાન નાગરીકો ખરીદી માટે ઉમટ્યા હોવાથી કોરોનાના કેસ વધી રહ્યા હોવાની કાગારોળ વચ્ચે દર્દીઓને ખેડા, કરમસદ અને વડોદરા સુધી લઈ જવામાં આવ્યા છે. જેને “કેારોના મેનેજમેન્ટ”નામ આપવામાં આવ્યું છે. મ્યુનિ.કોરોના ટીમ દ્વારા કેસમાં વધારો અને બેડની અછત હોવાના દાવા તે સમયે કરવામાં આવ્યા હતા. જેની સામે જાહેર કરવામાં આવેલા આંકડા અલગ ચિત્ર જ રજૂ કરે છે.
શહેરમાં ૧૨ નવેમ્બરે એક્ટીવ કેસની સંખ્યા માત્ર ૨૭૫૬ હતી. દિવાળીના એક સપ્તાહ બાદ ૨૨ નવેમ્બરે એક્ટીવ કેસની સંખ્યા વધીને ૨૯૦૬ થઈ હતી. જે કદાચ નવેમ્બર મહિનામાં સૌથી વધુ હતા. ૨૪ નવેમ્બરે એક્ટીવ કેસ ૨૮૪૦ હતા. જેની સામે ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ.ક્વોટાના બેડની સંખ્યા ૨૭૫૬ હતી. જે પૈકી ૨૬૧૩ ભરેલા હતા. જાે મ્યુનિ.ક્વોટાના તમામ બેડ ફુલ હોય તો પણ એક્ટીવ દર્દીઓ માટે માત્ર ૮૪ બેડની જ જરૂરીયાત રહે તેમ હતું. જેની સામે સીવીલ હોસ્પિટલમાં ૧૨૦૦ અને સોલા સીવીલમાં ૫૦૦ બેડ ઉપલબ્ધ હતા. તેમ છતાં દર્દીઓને ખેડા-કરમસદ લઈ જવામાં આવ્યા હતા.
૨૬ નવેમ્બરે એક્ટીવ કેસની સંખ્યા ૨૭૯૯ એક્ટીવ કેસ સામે મ્યુનિ.ક્વોટા બેડની સંખ્યા ૨૭૮૯ હતી તેથી માત્ર એક દર્દી માટે જ બેડ શોધવાની જરૂરીયાત ઉપસ્થિત થઈ હતી. એક દર્દી તો હોમ આઈસોલેટ પણ થઈ શકે તેમ છે. ત્રીજી ડીસેમ્બરે એક્ટીવ કેસની સંખ્યા ૨૬૪૫ જાહેર કરવામાં આવી છે. જેની સામે મ્યુનિ.ક્વોટાના ૩૧૩૯ બેડ છે. તેથી તમામ એક્ટીવ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવે તો પણ ૪૯૪ જેટલા બેડ ઉપલબ્ધ રહે છે.
શહેરમાં કેસ ઘટવા તથા બેડ વધ્યા હોવા છતાં બેડ ઉપલબ્ધ ન હોવાની કાગારોળમાં શા માટે થઈ રહી છે ? છેલ્લા ૧૦ દિવસના એક્ટીવ કેસ કરતા ખાનગી ક્વોટાના બેડની સંખ્યા વધારે રહી છે. તો પછી શુ એસ.વી.પી.માં નોન-કોવિડ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ? તેવા આક્ષેપ થઈ રહ્યા છે. કોરોના દર્દીઓ હોસ્પિટલમાં એડમીટ થતા પહેલાં કોરોના ટેસ્ટીંગના ચક્રવ્યૂહમાં પણ ગોથા ખાઈ રહ્યા છે. મ્યુનિ.તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં નેગેટીવ આવ્યા બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા જરૂરી રહે છે.
પરંતુ તંત્ર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ માટેના લોકેશન ઘટાડવામાં આવ્યા છે. જેના કારણે નાગરીકો ખાનગી લેબોરેટરીના શરણે જાય છે. ખાનગી લેબ.માં પોઝીટીવ રીપોર્ટ આવે તો મ્યુનિ.ક્વોટાના બેડ પર દાખલ કરવામાં આવતા નથી. જેના કારણે દર્દીઓ પેઈડ સારવાર કરવા મજબુર બની રહ્યા છે. મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને સીનીયર કોર્પાેરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ.ક્વોટાના બેડ કરતાં એક્ટીવ કેસની સંખ્યા ઓછી છે તેમ છતાં દર્દીઓ એડમીશન માટે વલખા મારી રહ્યા છે. ખાનગી હોસ્પિટલના ક્વોટા જેટલા જ એક્ટીવ દર્દી છે તો પછી એસ.વી.પી અને સીવીલમાં દાખલ દર્દી કયા રોગની સારવાર લઈ રહ્યા છે ? સામાન્ય નાગરીકોને ૧૦૮ના હવાલે કરવામાં આવ્યા છે.