એસ.વી.પી.હોસ્પિટલની કાર્યપદ્ધતિથી ભાજપના કોર્પોરેટરો પણ નારાજ

બોડકદેવના કોર્પાેરેટરને સ્વ-ખર્ચ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદની ખાનગી ચેનલના પત્રકારને કોરોના થયા બાદ એસ.વી.પી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા તથા નાયબ મુખ્યમંત્રીની મદદથી સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ખાનગી ગુજરાતી ચેનલનાં પત્રકાર સાથે થયેલાં અમાનવીય વર્તાવનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. તથા ખુદ શાસકપક્ષનાં કોર્પાેરેટરો એસ.વી.પી. હોસ્પિટલ તથા મ્યુનિ.વહીવટી તંત્રની દાદાગીરી મામલે ખુલીને બહાર આવી રહ્યાં છે. સામાન્ય નાગરીકો સાથે તથા દુર્વ્યવહાર મામલે અત્યાર સુધી મૌન ધારણ કરીને બેઠેલાં ભાજપનાં કોર્પાેરેટરો તેમની આપવીતી જાળવી રહ્યાં છે તથા મ્યુનિ.કોર્પાેરેશનમાં “ધાર્યું અધિકારીનું જ થાય” તે બાબતનો પરોક્ષ રીતે સ્વીકાર કરી રહ્યાં છે. જ્યારે કવોરન્ટાઈન કે આઈસોલેટેડ થયેલાં દર્દીનાં ઘરેથી કચરો એકત્રિત કરવામાં લાલિયાવાડી ચાલી રહી હોવાની વ્યાપક ફરિયાદો પણ થઈ રહી છે.
મેડીકલ એજ્યુ.ટ્રસ્ટ સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ વધુ એક વિવાદમાં આવી છે. ગુજરાતી ન્યૂઝ ચેનલનાં પત્રકારને પાંચ-છ કલાક સુધી બેસાડી રાખ્યાં બાદ ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચનાનાં આધારે દાખલ કરવામાં આવ્યાં ન હતા. પત્રકારને દાખલ ન કરવામાં આવ્યાં બાદ અધિકારીઓની દાદાગીરી અને મેયરની મજબૂરી વધુ એક વખત જાહેર થઈ છે. શહેરનાં પ્રથમ નાગરીકનાં ફોન ડે.મ્યુનિ.કમિશ્નર કક્ષાનાં અધિકારી રીસીવ ન કરે તેને અધિકારીની દાદાગીરી ગણવી કે મેયરની નિર્બળતા માનવી ? પેચીદો પ્રશ્ન છે. શું મેયરનાં કોઈ અંગતને દાખલ કરવાના હોય તેવા સંજાેગોમાં પણ અધિકારીની ફોન રીસીવ કરતાં નથી ? જાે પ્રથમ નાગરીકનાં સૂચનનો અમલ ન થાય કે તેમનાં ફોન પણ રીસીવ કરવામાં ન આવે તો તેની સામે સત્તાધારી પાર્ટી દ્વારા કયા પગલાં લેવામાં આવ્યાં છે ? અધિકારી વિરુદ્ધ ઠપકાંની દરખાસ્ત લાવવામાં આવશે કે કેમ ? આ તમામ બાબતો ચર્ચાનો વિષય બની છે. ગુજરાતી ન્યૂઝ ચેનલના પત્રકાર સાથે થયેલા અમાનવીય વર્તન બાદ ભાજપના કોર્પાેરેટરો પણ જાહેરમાં તથા કમીટી મીટીંગમાં એસ.વી.પી.માં હોસ્પિટલ તથા અધિકારીઓ સામે બળાપો કાઢી રહ્યાં છે.
મ્યુનિ.હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમીટીની બેઠકમાં ડે.ચેરમેન જયેશભાઈ ત્રિવેદીએ એસ.વી.પી.ની કાર્યપદ્ધતિ સામે સવાલ કર્યા હતાં. તેમના જણાવ્યા મુજબ જે દર્દી પાસે ફોન ન હોય તેવા દર્દીની તબિયત અંગે સ્વજનને માહિતી મેળવવી હોય તો એસ.વી.પી.માં શું વ્યવસ્થા છે ? તેવો સવાલ એક મહિના પહેલાં કમીટીમાં પૂછ્યો હતો. તે સમયે જવાબ મળ્યો ન હતો. નાગરીકોની ફરીયાદના આધારે ડે.ચેરમેને પ્રશ્ન પૂછ્યો હતો. પરંતુ છેલ્લા એક સપ્તાહ દરમિયાન તેમને આ બાબતનો સ્વ-અનુભવ થયો છે. ડે.ચેરમેનના પત્ની કોરોના સંક્રમિત થયાં છે તથા એસ.વી.પી.માં સારવાર લઈ રહ્યાં છે. તેમના પત્ની પાસે મોબાઈલ ન હોવાથી તેમની તબિયત અંગે જાણકારી મળતી નથી. જયેશ ત્રિવેદી કમીટીના ડે.ચેરમેન હોવાથી હોસ્પિટલ સુપ્રિ.ને ફોન કરીને માહિતી મેળવી શકે છે. પરંતુ સામાન્ય નારિક કોને ફોન કરે ? એસ.વી.પી.હોસ્પિટલમાં પાંચ મહિના બાદ પણ દર્દીના સ્વજનો ફોન કરી શકે તે માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો નથી. હેલ્થ કમીટીના ડે.ચેરમેને આ બાબતે ખેદ વ્યક્ત કર્યાે હતો. સાથે સાથે આઈસોલેટેડ દર્દીના ઘરેથી નિયમિત ક્ચરો લેવામાં આવતો ન હોવાની ફરીયાદ કરી હતી. કમીટી ચેરમેન અને સીનીયર કોર્પાેરેટરો એ પણ કોરોના દર્દીના ઘરેથી કચરો એકત્રિત કરવામાં ચાલી રહેલી લાલિયાવાડી સામે રોષ વ્યક્ત કર્યાે હતો.
ભાજપના સીનીયર કોર્પાેરેટર કાંતિભાઈ પટેલે પણ એસ.વી.પી. હોસ્પિટલ અને અધિકારીઓની દાદાગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યાે હતો. કાંતિભાઈ પટેલ જ્યારે કોરોના સંક્રમિત થયા હતા તે સમયે મ્યુનિ.ક્વોટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા માટે તેમણે અધિકારીઓને તથા હોદ્દેદારને ફોન કર્યા હતા. મ્યુનિ.અધિકારીઓએ મ્યુનિ.ક્વોટામાં દાખલ થવા માટે એસ.વી.પી.હોસ્પિટલમાં હાજરી આપવી ફરજીયાત હોવાનું જણાવ્યું હતું. પક્ષના હોદ્દેદારે પણ અધિકારીને સમર્થન આપ્યું હતું. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા વોર્ડ-દીઠ એડમીટ કરવાની સત્તા અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફીસરને આપવામાં આવી છે.
![]() |
![]() |
તેવા સંજાેગોમાં વોર્ડ કે ઝોન કક્ષાએથી જ રીફર લેટર આપીને કાંતિભાઈ પટેલને દાખલ કરી શકતા હોય. પરંતુ એસવીપીમાં હાજરી આપવી ફરજીયાત હોવાનું જણાવતાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બોડકદેવના સીનીયર કોર્પાેરેટરને સ્વ-ખર્ચે સારવાર લેવાની ફરજ પડી હતી. જ્યારે તેમના વોર્ડના મહિલા કોર્પાેરેશને ઘરેથી સીધા ખાનગી હોસ્પિટલમાં એડમીશન આપવામાં આવ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ભાજપની જેમ કોંગ્રેસના કોર્પાેરેટરોને એડમીશન માટે પારાવાર મુશ્કેલી થઈ છે. કોંગ્રેસના મહિલા કોર્પાેરેટર કમળાબેન ચાવડા પણ અધિકારીઓની દાદાગીરીનો ભોગ બની ચૂક્યા છે. મ્યુનિ.ભવનમાં થતી ચર્ચા મુજબ અધિકારીઓ તથા હોદ્દેદારો સાથે સારા સંબંધ હોય કે સારી રાજકીય વગ હોય તેવા સંજાેગોમાં જ એસ.વી.પી.માં એડમીશન મળે છે. અન્યથા દર્દીને તેના જીવના જાેખમે એકથી બીજી હોસ્પિટલ ફરવાની ફરજ પડે છે.