ઐતિહાસિક સાબરમતી જેલનું ૬ મહિનામાં રિનોવેશનઃ બે વસ્તુઓ બદલવામાં આવશે નહીં
અમદાવાદ, અમદાવાદની ઐતિહાસિક સાબરમતી સેન્ટ્રલ જેલનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે. આ જેલમાં પોલીસ અધિકારી અને જેલ સ્ટાફની સુવિધા સહિત કેદીઓની સુરક્ષાને વધારે મજબૂત બનાવવાના કામો છ મહિનામાં પૂર્ણ કરાશે. આ જેલનો ફ્રન્ટેજ તેમજ મુખ્ય દરવાજાે એવો જ રહેશે.
આ સેન્ટ્રલ જેલ ૧૨૬ વર્ષ જૂની છે અને તેમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ સહિતના સ્વાતંત્ર્ય સેનાઓને રાખવામાં આવ્યા હતા. આ જેલ ૧૮૯૧માં બનાવવામાં આવી હતી જેમાં સમયાંતરે રિનોવેશન થયેલું છે. જેલ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રિનોવેશનની કામગીરી છ મહિનામાં પૂર્ણ થાય તે રીતે આયોજન થઇ રહ્યું છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આ જેલના રિનોવેશનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કેદી અને તેમના પરિવારજનોને વધુ સારી સુવિધા મળી શકશે, કારણ કે અમે નવા મુલાકાતી રૂમની યોજના બનાવી છે જ્યાં કેદી અને મુલાકાતી વચ્ચે કાચની દિવાલ હશે. તેઓ ફોન મારફતે વાતચીત કરી શકશે. આ ઉપરાંત સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસના ઓફિસ વિભાગની શાખાઓ જેવી કે ન્યાયિક, કાનૂની સહાય, તબીબી અધિક્ષક, કૌશલ્ય વિકાસ, કેદીઓની સુવિધાનું સંપૂર્ણપણે રિનોવેશન કરાશે.
સાબરમતી સેન્ટ્રલ જેલનો આગળનો ભાગ કે જેમાં વહીવટી વિભાગ છે જે છ મહિનામાં રિનોવેટ થઇ જશે. એક મહિના પહેલાં રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન તરફથી આ કામગીરી ચાલી રહી છે. આ જેલનું માળખું જર્જરીત થયેલું છે તેથી જૂનો ભાગ તોડી પાડવામાં આવ્યો છે જેમાં ફ્રંટેજનો પણ સમાવેશ થાય છે.
સેન્ટ્લ જેલનું બાંધકામ ૧૮૯૧માં શરૂ કરવામાં આવ્યું હતું અને તે ૧૮૯૫માં કાર્યરત થઇ હતી. આ જેલમાં કોરોના સંક્રમણ સમયે કેટલા કેદીઓ સંક્રમિત થયાં હતા પરંતુ મહામારીના આ સમયમાં એટલે કે ૨૦૨૦ અને ૨૦૨૧ના મધ્ય સુધીમાં આ જેલના કેદીઓએ શરૂ કરેલા વ્યવસાય અને વેપારથી ૩.૭૮ કરોડ રૂપિયાની આવક થઇ છે. આ જેલમાં કેદીઓની સુધારણા માટે વણાંટ, સુથારી, બેકરી, ભજીયા, દરજી, બાઇડીંગ અને ધોબી વિભાગ શરૂ કરવામાં આવેલા છે. હાલ વિવિધ વ્યવસાયમાં ૫૫૦ કેદીઓ રોજી મેળવી રહ્યાં છે.SSS