ઑક્ટોબરના અંત સુધીમાં GISFS કર્મીને નવા યુનિફોર્મ
અમદાવાદ, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ સોસાયટીના મુખ્ય કારોબારી અધિકારી સુધીર સિન્હાએ જણાવ્યું છે કે જીઆઇએસએફએસના કર્મચારીઓના પગારમાંથી યુનિફોર્મ એલાઉન્સની કપાત કરવામાં આવતી નથી પરંતુ જીઆઇએસએફએસની સેવા લેતી સંસ્થાઓ પાસેથી કર્મચારીઓને જે યુનિફોર્મ આપવાના થાય તે હેતુસર નાણાં લઈ એમાંથી કર્મચારીઓને યુનિફોર્મ ફાળવવામાં આવે છે.
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ સોસાયટીની યાદીમાં જણાવ્યાનુસાર વર્ષ ૨૦૧૬માં યુનિફોર્મની ખરીદી પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે કર્મચારીઓને યુનિફોર્મ આપી શકાયા ન હતા. આ યુનિફોર્મ પેટેની બચત રકમ સંસ્થા દ્વારા બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવામાં આવી છે.
આ ફિક્સ ડિપોઝિટનો ઉપયોગ સંસ્થા દ્વારા કર્મચારીઓના લાભ અર્થે તથા સંસ્થાની આકસ્મિક જવાબદારીને પહોંચી વળવા માટે કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૮માં સંસ્થા તરફથી કર્મચારીઓને યુનિફોર્મ ફાળવવામાં આવ્યા હતા તથા વર્ષ ૨૦૧૯માં કર્મચારીઓને જે યુનિફોર્મ આપવાના હતા તે કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે સમયસર આપી શકાયા ન હતા.
આ યુનિફોર્મની ખરીદ પ્રક્રિયા પ્રગતિ હેઠળ હોઈ ઑક્ટોબર-૨૦૨૦ના અંત સુધીમાં કર્મચારીઓને નવા યુનિફોર્મ મળશે. વર્ષ ૨૦૧૯ની યુનિફોર્મની ખરીદ પ્રક્રિયા પૂર્ણ થતાં જ વર્ષ ૨૦૨૦ની યુનિફોર્મની ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ સોસાયટી અમદાવાદની યાદીમાં વધુમાં જણાવાયુ છે.SSS