ઑક્સિજનની અછતે કોરોનાનાં ૪ દર્દીનાં મોત થયાનો આક્ષેપ
રાજકોટ: રાજકોટ શહેરની કુંદન હોસ્પિટલમાં ઓક્સીજનના અભાવે ચાર જેટલા દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો તેમના પરિવારજનોએ જણાવ્યું છે. બીજી તરફ ડોક્ટરે કહ્યું કે તમામ દર્દીઓની સ્થિતિ ગંભીર હતી. ત્યારે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તપાસ ટીમમાં પ્રાંત અધિકારી તેમજ એનેસ્થેસિયા આપનાર તબીબી તેમજ આઈએમએના એક સભ્ય નો તપાસ કરનાર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
તપાસ પૂર્ણ કરી રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવશે અને બાદમાં હોસ્પિટલ તંત્રની કોઇ લાપરવાહી જણાશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઓક્સિજનની ભારે તંગી સર્જાઇ હોવાના સમાચાર એક બાદ એક સામે આવી રહ્યા હતા. જુદી જુદી હોસ્પિટલ દ્વારા આ મામલે કલેકટરને પત્ર પણ લખવામાં આવ્યા હતા. ગઈકાલે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં ૧૦૦ મેટ્રિક ટન ઓક્સીજનરાજકોટને આપવાની વાત કહી હતી.
ગત મોડીરાત્રે કુંદન હોસ્પિટલમાં ઓક્સીજનના અભાવે ચાર જેટલા દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. તો આક્ષેપ કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. દર્દીઓના સગા એ મીડિયા સાથેની વાતચીતમાં હોસ્પિટલ તંત્ર ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કુંદન હોસ્પિટલમાં દર્દીને દાખલ કર્યા પછી તેની તબિયત અંગે કોઈપણ જાતના સમાચાર આપવામાં નથી આવતા. વહેલી સવારે ૪ વાગ્યાથી ડોક્ટર દર્દીના સગા વ્હાલાઓને ઓક્સીજનમાટે દોડાવી રહ્યા છે.
દર્દીના સગાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ઓક્સીજનનો બાટલો બંધ હોવાથી અમારા દર્દી મૃત્યુ પામ્યા છે. અમે બહારથી ઓક્સીજનનો બાટલો લઇ આપ્યો હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા બાટલો ચઢાવવામાં નહોતો આવ્યો. દર્દીના સગા વ્હાલાઓ એ બાટલા જાેવાની જીદ પકડી હતી પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
સમગ્ર મામલે કુંદન હોસ્પિટલના ડોક્ટર મનોજ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે ૪ દર્દીના મૃત્યુ થયા છે તેમના મૃત્યુ ઓક્સીજનના કારણે થયા હોવાની વાત પાયાવિહોણી છે. ઓક્સીજન સપ્લાય ખૂટી ગયા ની વાત ખોટી છે રિપોર્ટ જેવા આવે છે તેવા જ દર્દીના સગા ને જાણ કરવામાં આવે છે. ઓક્સિજનની ટેન્ક ખાલી થાય એટલે રિફલિગં કરવામાં આવે છે. હાલ અમારે ત્યાં ત્રીસ દર્દી દાખલ છે.