ઓઈલ ચોરીમાં સંડોવાયેલા આરોપીને ATSની ટીમે ઝડપી લીધો

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત એટીએસએ ઓઈલ ચોરીનાં ગુનામાં વોન્ટેડ આરોપીને ગુજરાતમાં પરત ફરતી વખતે બાતમીને આધારે ઝડપી લીધો છે.
પકડાયેલો આરોપી ઝુબેર શફી મેમણ (ઉ.વ.૪૧, રહે.વાડી, વડોદરા) અગાઉ દારૂના ધંધામાં સંકળાયેલો હતો ત્યારે વર્ષ ૨૦૧૨માં પકડાતાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં અન્ય આરોપી સાથે ઓળખાણ થતાં ગેરકાયદેસર ઓઈલ પાઈપલાઈનમાં પંક્ચર કરીને વેચાણ કરવાનાં ધંધામાં લાગ્યો હતો. જાેકે બાદમાં કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તેનું નામ ખુલતાં તે નાસતો ફરતો હતો. આ દરમિયાન તે અજમેર રાજસ્થાનથી ગુજરાત પરત ફરવાનો હોવાની બાતમી મળતાં એટીએસનાં પીઆઈ રાજપુત તથા પીઆઈ એસ.એન.પરમારની ટીમોએ રાજસ્થાન નજીક શામળાજી બોર્ડર પાસે વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનાં પોલીસ વડાનાં આદેશ બાદ એટીએસ સહિતની એજન્સીઓએ થોડાક સમયમાં જ ગેરકાયદેસર બાયોડીઝલ વેચતાં કેટલાંય ઈસમોને ઝડપી લીધાં છે.