ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ થશે
અમદાવાદ: ગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે. સી પ્લેન માટે ફ્લોટિંગ જેટી અમદાવાદ મોકલવામાં આવી રહી હોવાની હિંટ આપતા રાજ્યકક્ષાના શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ કેટલીક તસવીરો ટ્વીટ કરી છે.
માંડવિયા પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, અમદાવાદ આવી રહી છે ઈનોવેટિવ કોન્ક્રીટ ફ્લોટિંગ જેટી!’ તેમણે લખ્યું છે કે, સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા નદી પર બનનારા વોટર-એરોડ્રામનો આ ભાગ છે.
સીપ્લેન ટૂંક સમયમાં જ હકીકત બનશે! સાથે જ તેમણે શિપિંગ મંત્રાલય અને ઈનલેન્ડ વોટરવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આ પ્રોજેક્ટમાં ઝડપ કરવા માટે વખાણ પણ કર્યા.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી સમયે પીએમ મોદીએ સી પ્લેનની ચર્ચા શરૂ કરી હતી. હવે, કેન્દ્ર સરકારે ૧૯ પેસેન્જરની ક્ષમતા ધરાવતા ત્રણ એરપ્લેનની પસંદગી કરી લીધી છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
આ પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી રૂટ પર ઉડશે. સૂત્રો મુજબ, સી પ્લેન દ્વારા અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અંતર ૫૦ મિનિટમાં કાપી શકાશે. અમદાવાદથી બાય રોડ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવામાં ૩ કલાક જેટલો સમય લાગે છે. આ સિવાય સી-પ્લેનની સર્વિસ શરૂ કરવા મટે શેત્રુંજી નદી પરનું સ્થાન પસંદ કરાયું છે. આ ઉપરાંત ઉડાન યોજના અંતર્ગત રિજનલ કનેક્ટિવિટી રૂટ હેઠળ અત્યાર સુધીમાં ૧૬ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી પ્લેન સર્વિસનું ભાડું ૪થી ૫ હજાર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત રોજ ૪ જેટલી ફ્લાઈટ ઉડાણ ભરશે અને સી પ્લેનમાં ૨ પાઈલટ, ૨ ઓન-બોર્ડ ક્રૂ મેમ્બર્સ હશે.