ઓક્ટોમ્બર માસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન

પ્રતિકાત્મક
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ માટે ઓક્ટોમ્બર માસમાં મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ મી ઓક્ટોમ્બર સુધી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મેમોગ્રાફી રૂમ નં. ૧૨ A માં મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે. જેના માટે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધીમાં કેસ કઢાવવાનો રહેશે.
વધુ વિગતો આપતા સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સ્ત્રીઓમાં થતા સ્તનના કેન્સર ની તપાસ કરવા માટે મેમોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવે છે. કેન્સરની જાણ વહેલા થાય તો સમયસર સારવાર કરાવીને કેન્સર સામે જીતી શકાય છે. આ જનજાગૃતિ અને અગમચેતી માટે જ સિવિલ હોસ્પિટલ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કસ , સ્ટાફ મિત્રો માટે ફ્રી અને અન્ય મિત્રો માટે અડધા ખર્ચ એટલે કે રૂ. ૧૫૦ ના નજીવા દરે મેમોગ્રાફી ટેસ્ટ કરી આપવામાં આવશે તેમ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું છે.
કોને સ્તન કેન્સરનું વધારે જોખમ છે ? કોણે મેમોગ્રાફી કરાવવી જોઇએ. જે સ્ત્રી ની ઉમ્ર ૪૦ વર્ષથી વધુ હોય, તેમના નજીકના સંબંધીને સ્તનનું કેન્સર થયુ હોય, જો છાતીમાં કે બગલના ગાંઠ થયેલી હોય તેવું લાગે અથવા સ્તનના આકારમાં ફેરફાર થવા લાગે તે સ્ત્રીએ મેમોગ્રાફી કરાવવી જોઇએ.