ઓક્સફર્ડની વેક્સિન ભારતને ૨૦૨૦ના અંત સુધી મળી શકે છે
મુંબઈ: ભારતમાં તહેવારો બાદ કોરોના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ દરેકની નજર કોરોના મહામારીને રોકવા માટે તૈયાર થયેલી વેક્સીન્સ પર છે. એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડની કોરોના રસી રોગચાળાને રોકવામાં ૭૦ ટકા સુધી અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ રસીને ઇમરજન્સી એપ્રુવલ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. અપેક્ષા છે કે ઇમરજન્સી એપ્રુવલ આ વર્ષના અંત સુધીમાં મળી જશે. કોરોના વાયરસ વેક્સીનના સકારાત્મક પરિણામો સાથે જ ભારતમાં અપેક્ષાઓ વધી છે.
હકીકતમાં, ઈન્ડિયન ડ્રગ રેગ્યુલેટર ડીસીજીઆઈ દ્વારા કોરોના વાયરસ રસી માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કોઈપણ રસી, જે ૫૦%થી વધુ અસરકારક છે તેને મંજૂરી આપી શકાય છે. આ કિસ્સામાં એસ્ટ્રાઝેનેકા રસી વધુ અસરકારક છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે અમે ટૂંક સમયમાં ઇમરજન્સી લાઇસન્સ માટે પ્રયત્ન કરીશું અને અમને આશા છે કે એક મહિનામાં મંજૂરી મળી જશે.
અંતિમ મંજૂરી ફક્ત ડીસીજીઆઈના ર્નિણય દ્વારા લેવામાં આવે છે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે, કંપનીએ અત્યાર સુધીમાં લગભગ ૪ કરોડ ડોઝનું ઉત્પાદન કર્યું છે. જાન્યુઆરી સુધીમાં અમે ૧૦૦ કરોડ ડોઝ તૈયાર કરીશું. તેમાંના મોટાભાગને ભારતની પ્રાધાન્યતા તરીકે રાખવામાં આવશે. એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, બજારમાં કોવિશિલ્ડની એક ડોઝની કિંમત ૫૦૦થી ૬૦૦ રૂપિયા હશે.
તે જ સમયે, તે સરકારને ૨૨૦થી ૩૦૦ રૂપિયાની વચ્ચે પૂરા પાડવામાં આવશે. કોઈપણ વ્યક્તિને બે ડોઝની જરૂર પડશે. તેની તુલનામાં ફાઇઝર અને મોડર્ના રસીના ભાવ વધારે છે. મોડર્નાના એક ડોઝની કિંમત ૨૭૭૫ રૂપિયા સુધી હોઈ શકે છે, જ્યારે ફાઇઝર ૧૫૦૦ રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહ્યું છે. અદાર પૂનાવાલાએ કહ્યું, હું ઘણી બધી બાબતો પર ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું કે કોવિશિલ્ડની કિંમત પણ ઓછી છે, તેને જાળવવી સરળ છે અને તે ટૂંક સમયમાં વ્યાપકપણે ઉપલબ્ધ થઈ જશે. તેના એક ડોઝથી ૯૦ ટકા અને બીજી ડોઝથી ૬૨ ટકા સુધી સુરક્ષિત મળી શકે છે.