ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી સૌથી વધુ અસરકારક
નવી દિલ્હી: કોરોના વેક્સિનની કાગડોળે વાટ જોવાઈ રહી છે અને બહુ જલદી આ લાંબા ઈન્તેજારનો અંત આવવાની તૈયારીમાં છે. અનેક દેશોમાં કોરોના રસીની ટ્રાલ ફાઈનલ સ્ટેજમાં છે. સારી વાત એ છે કે તેમાંથી અનેક રસી કોરોનાની સારવારમાં ૯૦ ટકાથી વધુ અસરકારક સાબિત થઈ રહી છે. આ મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રસી સૌથી વધુ કારગર સાબિત થઈ રહી છે. કારણ કે એક તો તેના પરિણામ સારા આવી રહ્યા છે. બીજું તેની કિંમત અને ત્યારબાદ ઓછા તાપમાન પર સ્ટોરેજ થઈ શકવું એ તેને અન્ય રસીઓ કરતા અલગ બનાવે છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપનીએ મળીને કોરોનાની રસી તૈયાર કરી છે. આ રસીને નામથી તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે ભારતમાં આ રસી કોવીશિલ્ડના નામથી તૈયાર થઈ રહી છે. આ રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. રિઝલ્ટમાં બેવારના ડોઝના સામૂહિક આંકડા જોઈએ તો રસીની અસર ૭૦.૪ ટકા જોવા મળી.
બે અલગ અલગ ડોઝમાં તેની અસર એકવાર ૯૦ ટકા અને બીજીવાર તેની અસર ૬૨ટકા જોવા મળી. ઓક્સફોર્ડની રસીની ટ્રાયલ બે પ્રકારે થઈ છે. એક ટ્રાયલમાં ઈંગ્લેન્ડમાં પહેલા અડધો ડોઝ અને ત્યારબાદ એક મહિના પછી આખો ડોઝ આપવામાં આવ્યો. આ પ્રકારે રસી ૯૦ ટકા પ્રભાવી જોવા મળી. બીજા પ્રકારની ટ્રાયલમાં બ્રાઝીલમાં એક મહિનામાં રસીના બે સંપૂર્ણ ડોઝ આપવામાં આવ્યા.
આ ટ્રાયલમાં રસીની અસર ૬૨ ટકા સુધી જોવા મળી. બંને પ્રકારના પરિણામોની સરેરાશ ૭૦ ટકા રહી. મેડિકલ સાયન્સમાં ૭૦ ટકા પ્રભાવી દવાને પણ સારી ગણવામાં આવે છે. કોરોનાના દર્દીઓને રસીના બે ડોઝ આપવા પડશે. ફાઈઝરની રસીના આ બે ડોઝની કિંમત ૩૦૦૦ રૂપિયા સુધીની થાય છે. જ્યારે મોર્ડનાના બે ડોઝની કિંમત ૫,૫૫૦ રૂપિયા હશે. જ્યારે ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાના ડોઝની કિંમત ૧૦૦૦ રૂપિયાથી ૧૨૦૦ રૂપિયાની વચ્ચે હશે.