Western Times News

Gujarati News

ઓક્સિજનનો જથ્થો અમદાવાદથી વડોદરા લાવીને કાળાબજારમાં વેચવાનો પર્દાફાશ

વડોદરા: કોરોનાની મહામારીમાં દર્દીઓ માટે જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શનો સહિતની દવાઓ અને સાધનોની કાળાબજારીએ માઝા મૂકી દીધી છે, ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાંચે દર્દીઓને જીવતદાન આપતા મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના થઇ રહેલા કાળાબજારનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાંચે અમદાવાદથી ત્રણ મેડિકલ સિલિન્ડરને વડોદરા આવી રહેલા મેડિકલ માફિયાને ૫.૮૭ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડેલા મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના કેસમાં કૌંભાડનું મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતાઓ છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, કોરોનાની મહામારીમાં મેડિકલ ઓક્સિજનની ભારે જરૂરીયાત ઉભી થઇ છે, જેનો ફાયદો ઉઠાવી કેટલાક મેડિકલ માફિયાઓ માનવતાને નેવે મૂકીને દર્દીઓને જીવતદાન આપતા મેડિકલ ઓક્સિજન સિલિન્ડરની પણ કાળાબજારી કરી રહ્યા છે. જેથી ડી.સી.પી. જયદીપસિંહ જાડેજા અને એ.સી.પી. ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ.બી. જાડેજા અને પી.આઇ. વી.આર. ખેરની ટીમે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના કાળાબજારી કરતી ટોળકીને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી.

દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે, અમદાવાદ ૨-૪, કરણીનગર સોસાયટી, અમરાઇવાડીમાં રહેતો જય મહેશભાઇ ગઢવી કારમાં મેડિકલ ઓક્સિજન સિલિન્ડર લઇને વડોદરા આવી રહ્યો છે, જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે ચાંપતી નજર રાખીને જય ગઢવીને ત્રણ મેડિકલ ઓક્સિજન સિલિન્ડર સાથે દબોચી લીધો હતો.

ક્રાઇમ બ્રાંચને જય ગઢવી પાસેથી રૂપિયા ૧,૦૭,૯૭૦ ની કિંમતના ૪૭ લિટરના ત્રણ મેડિકલ ઓક્સિજન સિલિન્ડર, રૂપિયા ૪ લાખની કિંમતની કાર અને મોબાઇલ મળીને કુલ ૫,૮૭,૯૭૦ રૂપિયા નો મુદ્દામાલ કબજે કરીને ધરપકડ કરી હતી. મેડિકલ ઓક્સિજનના ત્રણ સિલિન્ડરો સાથે ઝડપાયેલો અમદાવાદનો જય ગઢવી કેટલા રૂપિયામાં મેડિકલ સિલિન્ડર વેચતો હતો અને વડોદરામાં કોણે આપવાનો હતો. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે, કોરોનાની ચાલી રહેલી મહામારીમાં મેડિકલ માફીયાઓએ દર્દીઓને જરૂર પડતી વિવિધ ચિજવસ્તુઓના કાળા બજાર કરીને નાણાં કમાવી લેવામાં માઝા મૂકી દીધી છે. મેડિકલ માફિયાઓએ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ઉભી થયેલી જરૂરીયાતને લઇ રેમડિસિવર ઇન્જેક્શન, ઓક્સિમીટર, થર્મોમીટર સહિત દર્દીઓ માટે જરૂરી ચિજવસ્તુઓના કાળા બજાર થઇ રહ્યા છે. જેમાં હવે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરોના કાળાબજારનો પણ સમાવેશ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.