ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા સાથે જમીનની ગુણવત્તા જાળવવા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાની જરૂર:
પાટણ: પાટણ જિલ્લાના હારીજ તાલુકાની એ.પી.એમ.સી. ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું હતુ. પ્રાકૃતિક ખેતીની થીમ પર યોજાયેલા કૃષિ મેળામાં વિવિધ કૃષિ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવા સાથે પ્રગતિશીલ ખેડૂતોએ તેમના સજીવ ખેતીના અનુભવો વર્ણવ્યા હતા.
કૃષિ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આધુનિક ખેતીના આ યુગમાં ધરતીપુત્રો પ્રાકૃતિક ખેત પદ્ધતિનો ઉપયોગ કરી નફાકારકતા વધારી શકે છે. યુરીયા, ડી.ટી.પી. અને રાસાયણિક ખાતરની બોલબાલા વચ્ચે પરંપરાગત પદ્ધતિથી કરવામાં આવતી ખેતીથી કૃષિ ખર્ચમાં ઘટાડો થશે અને નફાનું પ્રમાણ વધવાની સાથે પાક ઉત્પાદનની ગુણવત્તામાં પણ સુધારો આવશે.
વધુ પાક ઉત્પાદનની લાલચમાં રાસાયણીક દવાઓ અને ખાતરનો આડેધડ ઉપયોગ જમીનની ગુણવત્તામાં ઘટાડો કરે છે. પરીણામે પાકમાં ઝેરી તત્વો ઉમેરાવાની સાથે લાંબાગાળે જમીન પણ બીનઉપજાઉ બને છે. સાથે જ પશુપાલકો દ્વારા આવો ઘાસચારો પશુઓને ખવડાવવામાં આવતા દૂધ ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ ઘટાડો આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દવાઓ અને ખાતર પર બેફામ ખર્ચ કરવાને બદલે બીજામૃત અને જીવામૃતના ઉપયોગથી પાકના ઉત્પાદનમાં વધારો થશે અને જમીનની ગુણવત્તા પણ જળવાઈ રહેશે. આ ઉપરાંત ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ અપનાવી જમીનની સાથે સાથે પાણી બચાવવાની પણ જરૂર છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જો યોગ્ય પદ્ધતિથી ખેતી નહીં કરો અને જમીનની ગુણવત્તા નહીં જાળવી શકો તો સરકાર તરફથી આપવામાં આવતી સબસીડી પણ વ્યર્થ જશે. ઘરમાં ધાર્મિક પુસ્તક સાચવો છો તેવી રીતે પ્રાકૃતિક ખેતીને લગતા પુસ્તકો સાચવી-અભ્યાસ કરી રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતીના વિકાસની ઝુંબેશમાં સૌ ખેડૂતોએ સહભાગી થવાનું છે.
કૃષિ મેળામાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા યોજવામાં આવેલી વિવિધ કૃષિલક્ષી સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામ વિતરણ, બેસ્ટ આત્મા એવોર્ડ અને પ્રગતિશીલ ખેડૂતોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે આર.કે.વી.વાય. હેઠળ લાભાર્થીઓને સ્ટોરેજ યુનીટની પૂર્વમંજૂરીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
કૃષિ નિષ્ણાંત ડૉ. મનહરભાઈ પટેલ દ્વારા કૃષિ મેળામાં ઉપસ્થિત ખેડૂતોને પાક ઉત્પાદન અને પિયતની યોગ્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાસાયણીક ખાતર અને દવાનો ઉપયોગ ટાળી બીજામૃત, જીવામૃત અને આચ્છાદન પદ્ધતિથી ખેતી કરવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જમીનની ગુણવત્તામાં સુધારણા અને જાળવણી માટે વિવિધ પાકોની ક્રોપીંગ પેટર્ન અને પાક ફેરબદલી વિશે માહિતી આપી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત પ્રગતિશીલ ખેડૂતો અને ખેડૂત તાલીમ કેન્દ્રના લાભાર્થીઓએ તેમના સજીવ ખેતી અંગેના અનુભવો વર્ણવી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અપીલ કરી હતી. રાષ્ટ્રીય દિકરી દિવસ નિમિત્તે કૃષિ મેળામાં ઉપસ્થિત ખેડૂતોએ ગર્ભનું જાતિય પરીક્ષણ ન કરાવવા તથા સ્ત્રી શક્તિનો આદર કરવા શપથ ગ્રહણ કર્યા હતા.
હારીજ એ.પી.એમ.સી.ના પ્રાંગણમાં યોજાયેલા કૃષિ મેળા સાથે કૃષિ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, આત્મા પ્રોજેક્ટ, પશુપાલન વિભાગ, વન વિભાગ સહિત ખાનગી કંપનીઓ દ્વારા ખાતર અને કૃષિ ઓજારોના પ્રદર્શન સ્ટોલમાં પ્રાકૃતિક ખેતી થીમ પર વિવિધ નિદર્શન યોજાયા હતા. રાજ્ય સરકારની કૃષિ અને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતીની સાથે બીજામૃત અને જીવામૃત બનાવવા લાઈવ નિદર્શન સ્ટોલ અને વર્મી કમ્પોસ્ટના સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આઈ.સી.ડી.એસ. વિભાગ, આરોગ્ય વિભાગ અને ૧૮૧ અભયમ દ્વારા પણ પ્રદર્શન સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા.
કૃષિ મેળા અને પ્રદર્શનમાં ઉપસ્થિત મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર તથા અન્ય મહાનુભાવો દ્વારા કૃષિ પ્રદર્શનના તમામ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેત પદ્ધતિ, કૃષિ ઓજારો, ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા ફળો સહીતની માહિતી મેળવી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, હારીજ એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી ભગવાનભાઈ ચૌધરી, કૃષિ વિભાગના સંયુક્ત નિયામકશ્રી પી.ડી.રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ સહિત ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ તથા આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મેળો વ પ્રદર્શનમાં જિલ્લાના ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.