ઓછા માલ-શ્રમિકોની અછતથી કાપડ પ્રોસેસિંગના ચાર્જમાં વધારો
અમદાવાદ, કોરોનાની મહામારીને લઈને દેશભરમાં વેપાર-ધંધા ઉદ્યોગોની સ્થિતિ બગડી રહી છે ત્યારે અમદાવાદની ઓળખ એવા કાપડ બજારમાં પણ વેપારીઓ ધંધો નહિ હોવાની બૂમો પાડી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં એક સમયે આખું અઠવાડિયું ચોવીસે કલાક ધમધમતા પ્રોસેસ હાઉસમાં પ્રોસેસ માટે માલ નહીં આવતા પ્રોસેસ હાઉસ અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ આઠ કલાક ચાલી રહ્યા છે. પ્રોસેસ માટે માલની ઘટ પડતાં પ્રોસેસ હાઉસ સંચાલકો દ્વારા કપડું પ્રોસેસ કરવાના ચાર્જમાં મીટરે બેથી પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. લગભગ સવા લાખથી વધુ શ્રમજીવીઓને રોજગારી આપતા પ્રોસેસ હાઉસમાં શ્રમિકો ચાલ્યા જતા ૨૫ ટકા કર્મચારીઓથી કામ કરવામાં આવી રહ્યું છે.
પ્રોસેસ હાઉસની વર્તમાન સ્થિતિ અને પડકારો અંગે માહિતી આપતા અમદાવાદ ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના નરેશ શર્માએ જણાવ્યું હતું કે અમદાવાદમાં નાના મોટા થઈ ૧૨૦૦થી વધુ પ્રોસેસ હાઉસ કાર્યરત હતા. જે પૈકી કોરોના બાદ હજુ મોટાભાગના પ્રોસેસ હાઉસ શરૂ થયા નથી. પ્રોસેસ હાઉસ સંચાલકો માટે અત્યારે સૌથી મોટો પડકાર પરપ્રાંતીય શ્રમીકો કે જે વતન ચાલ્યા ગયા છે તેને કારણે કર્મચારીઓની અછત તથા હજુ અઠવાડિયાથી જ કાપડ બજાર ખુલ્યા છે માટે હજુ પ્રોસેસ હાઉસમાં પ્રોસેસિંગ માટેનો માલ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવી રહ્યો છે.
પ્રોસેસ હાઉસમાં પ્રિન્ટિંગ, ડાઇંગ ,બ્લીચીંગ, પ્રોસેસિંગ ફિનિશિંગ તથા વોશિંગ માટે આવતા કપડા ઉપર કામ થતું હતું જે પ્રોસેસ હાઉસમાં રોજના દોઢ લાખથી બે લાખ મીટર કપડા ઉપર પ્રોસેસિંગ થતું હતું તેના બદલે અત્યારે માંડ પચાસ હજાર મીટર કપડું પણ પ્રોસેસિંગ માટે આવતું નથી. હવે પ્રોસેસ હાઉસ શરૂ કર્યા એટલે તમામ પ્રકારનો ચાર્જ, મેન્ટેનન્સ બિલ વગેરે શરૂ થઈ જતું હોવાથી પ્રોસેસ માટેના કપડા ઉપરનો પ્રોસેસિંગ ચાર્જ મિટરે બેથી પાંચ રૂપિયા વધી ગયો છે. જે પ્રોસેસ હાઉસ આખું અઠવાડિયું ૨૪ કલાક ધમધમતા રહેતા હતા તે પ્રોસેસ હાઉસ અત્યારે અઠવાડિયાના બે કે ત્રણ દિવસ જ માટે આઠ કલાક ચાલુ રાખી શકાય છે.
વેપારીઓ પાસે તૈયાર કાપડનો ખૂબ જ મોટો સ્ટોક પડયો છે જેનો નિકાલ થાય ત્યારબાદ પ્રોસેસ હાઉસમાં બીજા ઓર્ડર મળે તેવી સંભાવના છે. વધુમાં નરેશ શર્માએ જણાવ્યું હતું કે પહેલા જે વ્યાપારીઓ ડિઝાઇન નક્કી કરવા અને પ્રોગ્રામ માટે રૂબરૂ પ્રોસેસ હાઉસ પર આવતા હતા તેઓ હવે કોરોનાના ડરથી ઈમેલ દ્વારા પ્રોગ્રામ મોકલી રહ્યા છે અને વોટ્સએપ દ્વારા ડિઝાઇન નક્કી કરી રહ્યા છે.