ઓટીટી અને ડિજિટલ પ્લેટફોર્મ માટેના નવા નિયમો મુદ્દે કેન્દ્ર પાસે જવાબ મંગાયો
નવીદિલ્હી: ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયા પર કેન્દ્ર સરકારના નવા નિયમોને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જશ્મતીની ખંડપીઠે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટ હવે આ મામલે ૧૬ એપ્રિલના રોજ સુનાવણી કરશે.
ફાઉન્ડેશન ફોર ઈન્ડિપેન્ડન્ટ જર્નાલીસ્ટ વતી અરજી કરવામાં આવી છે. ટ્રસ્ટ “ધ વાયર” નામનું એક ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ ચલાવે છે. ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયા માટે કેન્દ્ર સરકારે ૨૫ ફેબ્રુઆરીએ ટેકનીકલ નિયમો, ૨૦૨૧ જારી કર્યા હતા.
અરજદારના વકીલ નિત્યા રામકૃષ્ણએ કોર્ટને જણાવ્યું હતું કે, નવા નિયમો અને ગુગલના નિયમો અંગે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આપેલા સોગંદનામા જુદા છે. નિયમોમાં અખબારો અને સમાચાર સંસ્થાઓનો ઉલ્લેખ નથી. એવું નથી કે ન્યૂઝ મીડિયા નિયંત્રણથી બહાર છે, પરંતુ કાયદા દ્વારા તેનું નિયંત્રણ થવું જાેઈએ.આ અગાઉ સુપ્રીમ કોર્ટે ગયા શુક્રવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના માર્ગદર્શિકામાં અયોગ્ય કાર્યક્રમો દર્શાવતા અથવા નિયમોનું ઉલ્લંઘન કરનારા ડિજિટલ પ્લેટફોર્મ સામે કાર્યવાહી અથવા સજા સામે યોગ્ય પગલા લેવાની જાેગવાઈ નથી.