ઓટોરીક્ષા ચાલકોને ભાડા વધ્યા પણ મીટરના સેટીંગ્સનો ખર્ચો આવશે
(પ્રતિનિધિ )અમદાવાદ, સીએનજી ગેસના ભાવમાં સતત વધારા પછી ઓટો રીક્ષાચાલકોની લાંબા સમયની માંગણી પછી રીક્ષાભાડાના દરમાં સત્તાધીશોએ વધારો કર્યો છે. પરંતુ રીક્ષાચાલકોના માથે તેના કારણે ખર્ચાઓના બોજ ચાલુ જ રહે છે. આમેય, મીનિમમ ભાડુ રૂા.૧૮ હોવા છતાં રીક્ષાચાલકો રૂા.ર૦ જ લેતા હતા. છૂટ્ટાની સમસ્યાને કારણે જે તકલીફ રહેતી હતી તેનો નિકાલ આવી ગયો છે.
પરંતુ કેટલાંક રીક્ષાચાલકોના જણાવ્યા અનુસાર ભાડા વધ્યા પણ કેટલાંક ખર્ચા તો અમારે આગામી દિવસોમાં કરવા જ પડશે. જેમ કે રીક્ષાઓમાં બે પ્રકારના મીટરો હોય છે. જેમાં ડ્રાઈવરની જાેડે નીચેની તરફ ડાબી બાજુ તથા ડ્રાઈવરની ડાબી બાજુ ઉપરની તરફ ડાબા હાથે મીટર હોય છે.
જેમાં ઉપર તરફના મીટરમાં ભાડાના સંદર્ભેે જે સેટીંગ કરાવવાનુૃં હોય છે તેમાં મીટર સેટીંગનો ખર્ચ રૂા.ર૦૦થી ૩૦૦ થાય છે. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં રીક્ષાચાલકો આ પ્રકારનું રીડીંગ મીટર ધરાવતા હોય છે. તેમને ભાવ વધતા મીટર સેટ કરાવવુ પડશે. અને કંપનીમાં જઈને તે કરાવવુ પડતુ હોવાથી મોંઘુ પડશે. નવા મીટરના રૂા.૩૦૦૦ થી ૩પ૦૦ જેટલા થાય છે.
વળી, જે આધુનિક પ્રકારના મીટર હોય છે તેમાં ભાડા પ્રમાણમાં ઓછા આવતા હોવાથી ઘણા રીક્ષાચાલકો જુના મીટર જ ચાલુ રાખી રહ્યા છે. પરંતુ જેમણે મીટર સેટ કરાવવા પડશે તેમના માથે ખર્ચા આવી પડશે. રીક્ષાચાલકોને સીએન જીમાં સતત ભાવ વધારાને કારણે પડતા પર પાટુ’ ની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મીટર સેટીંગનો ખર્ચ તેમના બોજામાં વધારો કરશે.