ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી હેમાનંદ બિસ્વાલનું નિધન
ભુવનેશ્વર, ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી હેમાનંદ બિસ્વાલનું ૮૩ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ભુવનેશ્વરમાં અંતિમ શ્વાસ લીધા. હેમાનંદ બિસ્વાલ ઓડિશાની રાજનીતિમાં એક મોટો ચહેરો હતો અને બે વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતા હતા, ત્યારબાદ તેમને ભુવનેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હેમાનંદ બિસ્વાલ ઓડિશામાં દલિતો અને આદિવાસીઓના મોટા નેતા માનવામાં આવે છે. તેમણે તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દરમિયાન આ સમુદાયો માટે જ કામ કર્યું. બિસ્વાલ ઓડિશાના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી બન્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર ટિ્વટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટિ્વટર પર લખ્યું કે, “ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી હેમાનંદ બિસ્વાલ જીના નિધનથી દુઃખી છું. તેઓ વર્ષો સુધી જનતાની સેવામાં પ્રવૃત્ત રહ્યા અને તેમની વચ્ચે રહીને લોકો માટે ઘણું કામ કર્યું.
દુઃખના આ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના હેમાનંદ બિસ્વાલના નિધન પર તમામ નેતાઓએ ટિ્વટ કરીને શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ તેમની તસવીર સાથે એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું કે, હેમાનંદ બિસ્વાલ જીના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના. તેઓ કોંગ્રેસ પાર્ટીના મજબૂત આધારસ્તંભ હતા અને તેમને એક મહાન આદિવાસી નેતા તરીકે યાદ કરવામાં આવશે.
રાહુલ ઉપરાંત ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ હેમાનંદ બિસ્વાલને તેમના નિધન પર યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હેમાનંદ બિસ્વાલના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેઓ તેમના રાજ્ય અને લોકોના વિકાસ માટે કરેલા કાર્યો માટે હંમેશા યાદ રહેશે.HS