ઓડિશા, પશ્વિમ બંગાળમાં બુલબુલ વાવાઝોડું ત્રાટકે તેવી ભીતિ
ભુવનેશ્વર,ઓડિશામાં બુલબુલ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. પશ્વિમ બંગાળમાં પણ વાવાઝોડાં સાથે વરસાદની ભીતિ છે. બંને રાજ્યોમાં બચાવ ટૂકડીને એલર્ટ જારી કરાયો હતો.
ઓડિશા સરકારે ભારે વરસાદની આગાહીના પગલે બચાવ ટૂકડીઓને એલર્ટ કરી છે. બંગાળની ખાડીમાં થઈને આ વાવાઝોડું ઓડિશા અને પશ્વિમ બંગાળમાં ત્રાટકે એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ વાવાઝોડું બાંગ્લાદેશ તરફ ફંટાશે. તે પહેલાં ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકશે. લગભગ 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આ ઝડપ 80થી 90 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચે તેવી દહેશત વ્યક્ત કરાઈ હતી.
આગામી 24 કલાક સુધી ઓડિશામાં ભારે વરસાદના પગલે દરેક જિલ્લામાં તંત્રને એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. નવી સૂચના જારી ન થાય ત્યાં સુધી માછીમારોને પણ દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.