ઓઢવની ફેકટરીમાંથી ગુજરાત, રાજસ્થાન અને યુપીના ૧૬ બાળમજુરોને છોડાવાયા
તમામને બાવળા ચિલ્ડ્રન હોમમાં મોકલી ફેકટરી માલિક વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના કેટલાય ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગેરકાયદેસર હોવા છતાં બાળકો પાસે મજુરી કરાવવામાં આવતી હોવાની ફરીયાદો અવારનવાર સાંભળવા મળે છે. આ સ્થિતિમાં પોલીસ, દ્ગય્ર્ં તથા શ્રમ ભવનના અધિકારીઓએ સાથે મળીને ઓઢવની એક ફેકટરીમાં કાર્યવાહી કરી ગુજરાત તથા અન્ય રાજયના ૧૬ જેટલા બાળકોને બાળમજુરીમાંથી છોડાવ્યા છે.
આ ઘટનાની વિગત એવી છે કે શ્રમ ભવનના અધીકારી ડો. સ્નેહલભાઈ મકવાણાને અવાર નવાર બાળમજુરીની ફરીયાદો મળતાં શુક્રવારે રેડનું આયોજન કર્યુ હતું તેમણે પોતાની સાથે ચાઈલ્ડ લાઈન, એનજીઓ તથા ઓઢવ પોલીસને રાખીને ઓઢવ રીંગરોડ સફારી હોટલની પાછળ, મલ્હાર ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી ઈમ્પેક્ષ ટયુબ ઈન્ડસ્ટ્રીમાં કાર્યવાહી કરી હતી અને કામ કરતાં તમામ મજુરોને તપાસતા કુલ ૩પ પુરૂષોમાંથી ૧૬ તરુણ વયના બાળકો મળી આવ્યા હતા
જેમની પુછપરછ કરતા તેમાંથી એક તરુણ મધ્યપ્રદેશનો જયારે પ ગુજરાત, પાંચ રાજસ્થાન તથા પાંચ ઉત્તરપ્રદેશના મુળ વતની હોવાનું બહાર આવ્યું હતું ડો. સ્નેહલે આ તમામ બાળકોનું કોવીડ રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ બાવળા ખાતેના ચીલ્ડ્રન હોમમાં મોકલી આપ્યા છે જયારે કંપનીના માલિક વિક્રમ નાનજી ચૌહાણ વિરુધ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.