Western Times News

Gujarati News

ઓઢવનું જડેશ્વર વન રાજ્યનું પહેલું ડમ્પિંગ સાઇટ ઉપર નિર્માણ પામ્યું

અમદાવાદનું હરિયાળું ફેફસું આશરે વિવિધ પ્રજાતિના વૃક્ષો તેમજ ફૂલછોડ સાથે કુલ ૨,૮૫,૯૮૬થી વધારે ફૂલછોડ-વૃક્ષો વાવવામાં આવ્યા

અમદાવાદ, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક ૮.૫ હેક્ટર વેસ્ટ લેન્ડ કે જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ ૮.૫ હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો, જ્યાં વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯માં ‘જડેશ્વર સાંસ્કૃતિક વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે.

આજે જડેશ્વર વન અમદાવાદ શહેર માટે જ નહિ, પરંતુ સમગ્ર રાજ્યમાં નમૂનેદાર વન બન્યુ છે.આ અંગે વાત કરતા અમદાવાદના નાયબ વન સંરક્ષણ સમાજીક વનીકરણ વિભાગના ડો. સક્કીરા બેગમે જણાવ્યુ હતું કે, જડેશ્વર સાંસ્કૃતિક વન એ અમદાવાદ શહેરની મધ્યમમાં વન વિભાગ દ્વારા બનાવામાં આવેલું પ્રથમ સાંસ્કૃતિક વન છે. જડેશ્વર વન દેશનું પ્રથમ એવું વન છે જેના પર વન વિભાગે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની મદદથી સ્પેશિયલ કવર પણ લોન્ચ કર્યું છે.

આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના લાકો માટે ફરવાનું સ્થળ બની રહે તે માટે ડમ્પિંગ યાર્ડમાંથી એસેટ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં વાવેલા વૃક્ષો અને ફૂલછોડ થકી એક અંદાજ મુજબ ૫ વર્ષમાં ૧૪૦.૩૦ ટન અને ૧૦માં વર્ષે ૧૮૮.૪૦ ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે. આમ, આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના ફેફસાના રૂપે કાર્ય કરે છે. સાથો-સાથ આટલી મોટી માત્રમાં આવેલા વૃક્ષો થકી આ વિસ્તારમાં પાણીનું જમીનમાં ઉતારવાની પ્રક્રિયાને વેગ મળશે.

જડેશ્વર વન વિશે વધુમાં સક્કીરા બેગમે કહ્યું કે, આ પ્લોટમાં આશરે વિવિધ પ્રજાતિના વૃક્ષો તેમજ ફૂલછોડ અને અન્ય ક્ષૃપ પ્રકારની વનસ્પતિ સાથે કુલ ૨,૮૫,૯૮૬થી વધારે ફૂલછોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. અહિં વિવિધ ૨૨ બ્લોકમાં જુદી જુદી જાતના જુદા જુદા રંગના દરેક ઋતુમાં ફૂલો આપતાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેનો આનંદ લેવા તેની વચ્ચે આશરે ૪.૫ કીમી લાંબા વોકિંગ ટ્રેઇલનું નિર્માણ પણ કરાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.