Western Times News

Gujarati News

ઓઢવમાંથી સરકારી અનાજની કાળાં બજારી કરતાં ૩ ઝડપાયા

(પ્રતિનિધિ)અમદાવાદ: સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું અનાજ વચ્ચે રહેલાં રેશનની દુકાનવાળાં અને અન્ય વેપારીઓ જ ચાઉં કરી જાય છે. ગરીબોને ભાગે ફાળવવામાં આવતાં જથ્થામાંથી કટકી કરીને બારોબાર આવાં દુકાનદારો અન્યોને વેચી રૂપિયા ગણી રહ્યાં છે. આવો કિસ્સો થોડાં દિવસો અગાઉ જ પ્રકાશમાં આવ્યો હતો. જેની સ્યાહી સુકાઈ નથી. ત્યાં જ ઝોન ૫ ડીસીપીની સ્કવોર્ડ આવી વધુ એક કાળાબજારી ઝડપી પાડી છે. અને ૨૫ કિલો ઘઉંના જથ્થા સાથે ત્રણ શખ્સોની અટક કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ડીસીપી ઝોન-૫ની સ્કવોડ પેટ્રોલિંગમાં હતી એ સમયે પીએસઆઈ એસજે ચૌહાણને કેટલાંક શખ્સો રેશનકાર્ડનાં અનાજની કાળા બજારી કરવા નીકળ્યા હોવાની બાતમી મળી હતી. જેને આધારે તેમણે ઓઢવ સોનીની ચાલી નજીક બ્રીજ નીચે વોચ ગોઠવતાં એક પીકઅપને ઝડપી હતી. અને તપાસ કરતાં તેમાં સફેદ કોથળામાં ભરેલાં રૂપિયા ૫૦ હજારની કિંમતના ૨૫૦૦ કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે ડ્રાઈવર સહિત ત્રણ શખ્સોની અટક કરવામાં આવી હતી. જેમાં જેન્તી મણીલાલ વછેટા (રાજેશ્વરી સોસાયટી, રાણીપ), રમેશભાઈ ગીદવાણી (૬૫) પાર્શ્વનાથ ટાઉનશીપ, નરોડા અને સંદીપ સંતોષ જૈન (ધન લક્ષ્મી સોસાયટી, ઓઢવ) સામેલ છે.

આ અંગે પીએસઆઈ ચૌહાણે જણાવ્યું હતું કે સંદીપ પોતાની વિધવા કાકીનાં નામથી અમરાઈવાડી, સત્યમનગર, શાકભાજી માર્કેટ ખાતે આવેલી રાશનની દુકાન ચલાવતો હતો. તેનાં સંબંધી રમેશભાઈ ગીદવાણીએ અનાજની કટકી કરવાથી લઈ ક્યાં અને કેવી રીતે વેચવું એ અંગેની જાણકારી સંદીપને આપી હતી. સંદીપ છેલ્લાં દસ વર્ષથી આ જ ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે.

દરોડા સમયે પોતાની ગાયત્રી પ્રકાશ ગ્રાહક ભંડાર ખાતેથી નરોડા જીઆઈડીસીમાં આવેલી સ્વામિનારાયણ ટ્રેડીંગ નામની ફેક્ટરીમાં આપવા જતાં હતાં. પોલીસે ફેક્ટરી માલિક આકાશભાઈ વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. ૨૫૦૦ કિ.ગ્રા.ઘઉં, રોકડ, ૫ મોબાઈલ ફોન તથા વાહન સહિત કુલ ૩ લાખ ૬૫ હજારની મત્તા તથા ત્રણેય આરોપીઓને ઓઢવ પોલીસને સોંપતા તેમણે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.