ઓઢવમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરોએ ૧ લાખથી વધુની ચોરી કરી
(પ્રતિનિધિ) અમદાવાદ: ઓઢવમાં આવેલી એક કપડાની દુકાનના પતરા તોડી ચોર અંદર ઘુસ્યા હતા બાદમાં દુકાનમાંથી રૂપિયા એક લાખના માલ-સામાનની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. લાલરામ કુમાવતા ઓઢવમાં છોટાલાલની ચાલી પાસે આદેશ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટમાં કિરણ એમ્પોરીયમ નામે કાપડની દુકાન ધરાવે છે ર૦ તારીખે સાંજે દુકાન બંધ કરીને બીજા દિવસે તે દુકાને પરત ફરતા ઉપરના માળે ઘોડામાં મુકેલા કાપડ તથા અન્ય સામાન વેરવિખેર પડયો હતો ઉપરાંત બીજા માળની છતના સિમેન્ટના પતરા પણ તુટેલા હતા જેથી તુરંત તેમને પોલીસને જાણ કરી હતી પોલીસે લાલરામની ફરીયાદના આધારે તપાસ હાથ ધરી છે.
છતનું પતરું તોડીને અંદર પ્રવેશીને તસ્કરો કાપડ, સાડીઓ, બ્લેન્કેટ, હોઝીયરીનો સામાન સહીતની કુલ રૂપિયા એક લાખની કિંમતની ચીજાે ચોરી ગયા હતા. દરમિયાનમાં તેમની બાજુમાં આવેલી શિવશક્તિ પ્રોવીઝન સ્ટોર નામની કરીયાણાની દુકાનમાં પણ ચોરી થયાની જાણ થતા અન્ય વેપારીઓ પણ દોડી આવ્યા હતા અને પોતાની દુકાન તપાસી હતી એક જ રાતમાં બે દુકાનોમાં ધાડ પડતા વેપારીઓ ચોંકી ઉઠયા હતા અને પોલીસ સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો.