ઓઢવમાં કારખાનામાં જ માલિકે ગળેફાંસો ખાધો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની વધતી જતી ઘટનાઓ વચ્ચે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે જયારે ગીતામંદિર વિસ્તારમાં પણ એક પરિણિતાએ આત્મહત્યા કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં આત્મહત્યાની વધતી જતી ઘટનાઓના પગલે સાબરમતી રિવરફ્રંટ સહિતના સ્થળો પર પોલીસનું સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે જેના પરિણામે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરનારાઓની સંખ્યા ઘટી રહી છે.
શહેરના ઓઢવ વિસ્તારમાં ત્રિવેણી સ્કૂલ પાસે મારૂતિધામ સોસાયટીમાં રહેતા વિજયભાઈ ઓમપ્રકાશ ચૌહાણ છેલ્લા કેટલાક દિવસથી માનસિક રીતે ખૂબ જ વ્યથિત જણાતા હતા વિજયભાઈનું ઓઢવ ક્રિષ્ના એસ્ટેટમાં વિજય પ્લાસ્ટિક નામનું કારખાનું આવેલું અને તેઓ નિત્યક્રમ મુજબ ગઈકાલે કારખાને ગયા હતાં.
વિજયભાઈ ચૌહાણ ગઈકાલે રાત્રે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ પોતાના કારખાનામાં જ છત્રના ભાગે હુકમાં દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો દરમિયાનમાં પરિવારજનો તેને શોધવા નીકળ્યા હતાં
કારખાનાની અંદરનું દ્રશ્ય જાતા જ લોકો ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી છેલ્લા કેટલાક દિવસથી વ્યથિત જણાતા વિજયભાઈએ પોતાના કારખાનામાં જ ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો પણ ખૂબજ વ્યથિત બની ગયા છે. આશાસ્પદ ર૧ વર્ષના યુવાન વહેપારીએ આત્મહત્યા કરી લેતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.
ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિજયભાઈના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે પરંતુ હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યુ નથી.
શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પણ આત્મહત્યાની ઘટના નોંધાઈ છે. ગીતામંદિર વિસ્તારમાં છીપા કબ્રસ્તાન સામે ચોર્યાસીની ચાલીમાં રહેતા ભાગ્યશ્રી વાઘેલાની પત્નિ પ્રિયંકાબેન ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરમાં જ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરતા અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોચી ગયા હતાં આત્મહત્યાનું કારણ જાણવા પ્રિયંકાના સાસરિયાઓની પુછપરછ શરૂ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ ઈન્સ્પેકટર યુ.ડી. જાડેજા જાતેજ તપાસ કરી રહયા છે.