Western Times News

Gujarati News

ઓઢવમાં ખાનગી હોસ્પિટલમાંથી રૂ.૭ લાખ રોકડાની ચોરી

દવાખાનામાં જ કામ કરતો વોર્ડ બોય ફરાર : સોલામાં કારનો કાચ તોડી બેગની ઉઠાંતરી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે આ પરિસ્થિતિમાં  શહેરના ઓઢવ વિસ્તારમાં એક દવાખાનાની અંદર દવાખાનામાં જ કામ કરતો એક શખ્સ રૂ.૭ લાખની ચોરી કરી ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે આ અંગે ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જયારે સોલા હાઈકોર્ટ વિસ્તારમાં કારનો દરવાજા તોડી રૂ.૪૦ હજાર રોકડા તથા અન્ય કિંમતી દસ્તાવેજાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં કાનબા હોસ્પિટલની  બાજુમાં ક્રીસ એકઝોટીકામાં રહેતા ડો. અલ્કેશભાઈ અજયભાઈ દવેનું ઓઢવ રાજેન્દ્ર પાર્ક કેનાલ રોડ પર આવેલા ક્રિષ્ના ચેમ્બરમાં ગુરૂકૃપા મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પીટલ આવેલી છે આ હોસ્પિટલમાં કેટલાક વ્યક્તિઓ કામ કરી રહયા છે.

ડો. અલ્કેશભાઈ નિત્યક્રમ મુજબ દિવસ દરમિયાન હોસ્પિટલમમાં  હાજર રહેતા હતા અને કોઈ ઈમરજન્સી કેસમાં તેઓ રાત્રે પણ દવાખાનામાં આવતા હતા તેમના દવાખાનામાં રાજસ્થાનના બિલોડા ગામમાં રહેતો નરેશ ખટીક નામનો યુવક છેલ્લા ઘણા સમયથી કામ કરતો હતો અને તે રાત્રિ દરમિયાન હોસ્પિટલમાં  ફરજ બજાવતો હતો.

વોર્ડ બોય સહિતની કામગીરી નરેશ કરતો હતો આ દરમિયાનમાં રાત્રિ દરમિયાન હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં મુકેલા રૂ.૭ લાખ રોકડાની ચોરી થઈ જતાં અલ્કેશભાઈ ચોકી ઉઠયા હતાં.

તેમણે આ અંગે ઓઢવ પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતાં. નરેશ ખટીક રૂ.૭ લાખની ચોરી કરી ભાગી છુટયો હતો. ડો. અલ્કેશભાઈની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે રાજસ્થાન પોલીસની મદદ લીધી છે અને તેના ગામ સહિત અમદાવાદમાં પણ આરોપીના સગાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ચોરીનો બીજા બનાવ સોલા હાઈકોર્ટ વિસ્તારમાં બન્યો હતો જેમાં ચાંદખેડા સેવીસ્વરાજમાં રહેતા નરેન્દ્રસિંહ ચૌહાણ ગઈકાલે રાત્રિના સમયે સોલા ઈન્ડીયન પેટ્રોલપંપની સામે લક્ષ્મી ટ્રેડીગની બાજુમાં પોતાની કાર પાર્ક કરીને કામ અર્થે ગયા હતાં આ દરમિયાનમાં કામ પતાવીને તેઓ પરત ફર્યા ત્યારે કારનો દરવાજા તુટેલો હતો અને અંદર તપાસ કરતા રોકડ રૂ.૪૦ હજાર તથા કિંમતી દસ્તાવેજા મુકેલી બેગની ચોરી થયાનું માલુમ પડયું હતું આ અંગે સોલા હાઈકોર્ટે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.