ઓઢવમાં પિતા-ભાઈના માનસિક ત્રાસથી યુવકે અગ્નિસ્નાન કર્યું
ઘટના સમયે બંને હાજર હોવા છતાં બચાવવા કોઈ પ્રયત્નો ન કર્યાનો પત્નીનો આરોપ
(પ્રતિનિધિ) અમદાવાદ, ઓઢવ વિસ્તારમાં રહેતા એક પરીવારમાં નાના ભાઈએ પિતાને ઉશ્કેરતા તે મોટાભાઈને સતત બોલતા અને માનસિક ત્રાસ આપતા કંટાળેલા મોટાભાઈએ છેવટે અગ્નિસ્નાન કરી લીધુ હતુ આ અંગે મૃતકની પત્નીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મૃતક ભાસ્કરભાઈ કુલાવ પત્ની સવિતાબેન અને બે સંતાનો સાથે યમુનાપાર્ક સોસાયટી ઓઢવ ખાતે રહેતા હતા તેમના પિતા નારણભાઈ નાના પુત્ર નિતેશ સાથે એ જ મકાનમાં અલગ રહેતા હતા ભાસ્કરભાઈના માતાનું જાન્યુઆરીમાં મૃત્યુ થયા બાદ નારણભાઈએ તેમની પાસે ખર્ચ પેટે દર મહીને રૂપિયા માગતા હતા અને ભાસ્કરભાઈ સમયસર રૂપિયા ન આપી શકતા તેમને વારંવાર ઠપકો આપતા હતા
ઉપરાંત નિતેશે પિતાને ભાસ્કરભાઈ વિરુધ્ધ પણ ઉશ્કેરણી કરતા ઉપરાંત ભાસ્કરભાઈ અને તેમના પત્ની સાથે પણ અવારનવાર ઝઘડો કરતા દરમિયાન ગત રવિવારે નારણભાઈએ તેમને બોલાવી આ મકાન વેચી નાખવાનો છુ વકીલને બોલાવી ભાગ પાડવાના છે તેમ કહેતા તેમને લાગી આવ્યું હતું
જેથી તેમણે શરીરે આગચંપી કરી હતી બુમાબુમ થતાં તેમની પત્ની આવી ગઈ હતી અને પાણી છાંટી આગ ઓલવી હતી બાદમાં તેમને હોસ્પીટલ લઈ ગયા હતા જયાં તેમણે ભાઈ તથા પિતાનો રોજનો ત્રાસ સહન ન થતો હોઈ શરીરે આગચંપી કરી હોવાનું કહયું હતું.
જેથી સવિતાબેને આ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પતિને આપઘાતની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોધાવી છે તેમણે આક્ષેપ કર્યો છે કે ઘટના સમયે નારણભાઈ તથા નિતેશ હાજર હોવા છતાં ભાસ્કરભાઈને બચાવવા પ્રયત્નો કર્યા ન હતા ઉપરાંત સળગી જાય તો અમારે શાંતી એમ બંને બોલતા હતાં.