ઓઢવમાં વ્યાજખોરનો આતંકઃ પરિણીતા પાસે બિભત્સ માંગણી કરી
રૂ.એક લાખના બદલામાં રૂ.દસ લાખની માંગણી કરતાં વ્યાજખોર સામે અંતે પોલીસ ફરીયાદ |
અમદાવાદ : વ્યાજખોરોનો ત્રાસ શહેરમાં ખુબ જ વધી ગયો છે. રૂપિયાની લાલચ ધરાવતા વ્યાજખોરો બેફામ બનીને મજબુર બનેલા પરિવારની મહિલાઓ પાસે બિભત્સ માંગણીઓ કરતા કિસ્સાઓ હવે પ્રકાશમાં આવી રહ્યા છે. ગેરકોયદેસર હોવા છતાં વ્યાજખોરો દસ,વીસ કે પચાસ ટકા જેટલેંં તોતીંગ વ્યાજ ઉઘરાવીને નાગરીકોની મિલકતો પડાવી રહ્યા છે.
આ સ્થિતિમાં ઓઢવામાં ધંધા માટે જરૂર પડતાં વ્યક્તિઅે એક લાખની રકમ વ્યાજે લેતા વ્યાજખોરે દસ લાખ પરતની માંગણી કરી છે. ઉપરાંત વ્યક્તિની જમીનના લખાણો પણ લીધા બાદ પત્ની પાસે બિભત્સ માંગણી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
ઓઢવ રીંગ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા રાજનભાઈ પાસપોર્ટ તથા વિઝાનું કામ કરે છે. કેટલાંક સમય અગાઉ તેમને ધંધા માટે રૂપિયાની જરૂર પડતાં ઓઢવ આદિનાથનગર પાસે રાજીવ પાર્કમાં રહેતા જયેશ કરશનભાઈ ચાવડા નામના માથાભારે શખ્સ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે જયેશે તેમની દસ્ક્રોઈ ખાતે આવેલી જમીનના લખાણો લખાવી લીધા હતા.
ત્યારબાદ ત્રણેક મહીનામાં જ જયેશે કડક ઉઘરાણી શરૂ કરીને એક લાખના દસ લાખ રૂપિયા માંગ્યા હતા. જેથી રાજનભાઈ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં જયેશ અવારનવાર તેમના ઘરે ઉઘરાણીએ જતો હતો. ઉપરાંત પત્ની અર્પિતાબેન ઘરે એકલી હોવા છતાં તે ઘરમાં બેસી જતો હતો. આ જ રીતે કેટલાંક દિવસ અગાઉ બે દિકરીની માતા અર્પિતાબેન ઘરે એકલી હતી એ સમયે સાંજના સુમારે આવ્યો હતો.
રાજનભાઈ ઘરે ન હોવાથી અર્પિતાબેને પછી આવવાનું જણાવતા તેમને ઘરે એકલા જાઈને હવસખોર જયેશે ઘરમાં ઘુસી અર્પિતાબેનનો હાથ પકડી ‘તારો પતિ રૂપિયા આપતો નથી. એમ કહીને બિભત્સ માંગણી કરતા ગભરાયેલા અર્પિતાબેને બુમાબુમ કરી મુકી હતી. જેથી પાડોશીઓ એકત્ર થતાં જયેશ ત્યાંથી ભાગી ગયો હતો.
આ અંગે પતિ રાજનભાઈને વાત કર્યા બાદ ગઈકાલે અર્પિતાબેને જયેશ વિરૂધ્ધ જબરજસ્તી ઘરમાં ઘુસી બિભત્સ માંગણી કરી હોવાની ફરીયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.