ઓઢવ ફાયર સ્ટેશન પાસે ડ્રેનેજ લાઈનમાં કેમીકલ યુક્ત પાણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/odhav.png)
Files Photo
ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા નિવારણ લાઈન ડાયવર્ટ કરવાની ચાલી રહેલી કામગીરી
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના ઓઢવ વિસ્તારમાં ગટરના પાણી જાહેર માર્ગ પર ઉભરાઈ રહ્યાં છે. ઓઢવના ફાયર સ્ટેશન પાસે જાહેર માર્ગ પર ગટરોમાંથી કેમીકલયુક્ત ગંદા પાણી બહાર આવી રહ્યાં છે. જેના માટે એક સપ્તાહ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે તથા લાઈન ડાયવર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના પૂર્વપટ્ટામાં ડ્રેનેજ લાઈનોમાં કેમીકલયુક્ત એસિડિક પાણી છોડવામાં આવી રહ્યા છે તે બાબત સર્વવિદિત છે. ઓઢવ વિસ્તારમાં પણ આ વર્ષાે જુની સમસ્યા છે. જેનો ભોગ સ્થાનિક રહીશો બની રહ્યાં છે. ઓઢવ ફાયર સ્ટેશન પાસે એક સપ્તાહથી ગટરમાંથી કેમીકલયુક્ત ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે. મનપાના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ જે ડ્રેનેજ લાઈનમાંથી પાણી બહાર આવી રહ્યાં છે. તેમાં આ વિસ્તારમાં આવેલી જી.આઈ.ડી.સી.માંથી કેમીકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યાં છે. ૨૦૧૩-૧૪ની સાલમાં જીઆઈડીસીના એક ફેક્ટરી માલિકને આ જ કારણોસર દંડ કરવામાં આવ્યો હતો.
જીઆઈડીસીમાંથી ડ્રેનેજ લાઈન દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ એસિડિક વોટર જઈ રહ્યાં છે. જેની અસર મશીનરી પર થઈ રહી છે. મ્યુનિ.ઈજનેર વિભાગના ઉચ્ચ અધિકારીએ આ મામલે એન.આર.સી.પી., ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ, જી.પી.સી.સી. અને ઝોનલ ઓફીસે પત્ર લખી તાકીદે કાર્યવાહી કરવા જણાવ્યું છે.
![]() |
![]() |
મ્યુનિ.ઈજનેર ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ જે લાઈનમાંથી પાણી બેક મારી રહ્યા છે તે લાઈન ફાયર સ્ટેશન, સોનીની ચાલ, સી.આર.સી.થઈ બી.આર.ટી.એસ સુધી જાય છે. જ્યાંથી તેનું પાણી નારોલ-નરોડા મેઈન ટ્રન્ક લાઈનમાં છોડવામાં આવે છે. હાલ, નારોલ-નરોડા ટ્રન્ક મેઈન ભરેલ છે.
તેના કારણે પણ ડ્રેનેજ લાઈન બેક મારી રહી છે. તેથી સદર લાઈનને અંબિકા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનમાં ડાયવર્ટ કરવામાં આવી રહી છે. આ કામ બે-ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જશે. સાથે સાથે સમસ્યા પણ હલ થશે. ડ્રેનેજ લાઈનમાં ગુલાબી રંગના પાણી આવી રહ્યાં છે. આ પાણી ક્યાંથી છોડવામાં આવે છે તેની તપાસ ચાલી રહી છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.