ઓનલાઇન અજાણ્યા મિત્રે મહેસાણાના વ્યક્તિ પાસે રૂ.૨૮ લાખની ઠગાઈ કરી
મહેસાણા: સોશિયલ મીડિયામાં છેતરપિંડીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઓનલાઇન ઠગાઈની ઘટના મહેસાણાના એક વ્યક્તિ સાથે બનવા પામી છે. જેમાં આ વ્યક્તિને ઓનલાઇન મિત્રતા બાંધવી ભારે પડી છે. તેમજ ઓનલાઇન અજાણ્યા મિત્રે મહેસાણાના વ્યક્તિ પાસે રૂ.૨૮ લાખની ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે.
મહેસાણામાં આવેલી પાલાવાસણા ઓએનજીસી કોલોની સામે આવેલા રિદ્ધિ સિદ્ધિ બંગલોમાં રહેતા અને ઓએમજીસીમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવતા ૬૫ વર્ષીય ચંદ્રકાન્ત સક્સેના નામના વ્યક્તિ સાથે ઓનલાઈન મારફતે રૂપિયા ૨૮ લાખની ઠગાઈ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણાના આ વ્યક્તિને છ મહિના પહેલા પોતાના ફેસબુક એકાઉન્ટમાં ડો. પુગેલ રોઝ નામની વ્યક્તિની રિકવેસ્ટ આવી હતી. જે આ ઇસમે સ્વીકારી હતી.
ત્યારબાદ બંને વ્યક્તિ પોતાના મોબાઈલ નંબર અને વોટ્સએપ દ્વારા વાતચીત થતા મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર મળેલા મિત્રે મહેસાણાના વ્યક્તિ માટે સામાન મોકલવાની વાતમાં લાલચાવીને અલગ અલગ એકાઉન્ટ મારફતે કુલ રૂ.૨૮ લાખ પડાવી લીધા હતા.
મહેસાણાના આધેડ અને સોશિયલ મીડિયા દ્વારા મળેલા મિત્ર ડો.પુગેલ રોઝ નામની વ્યક્તિ વચ્ચે ઘણા સમયથી વાતચીત થતી હતી. ત્યારબાદ ડો.પુગેલ રોઝે મહેસાણાના ફરિયાદી માટે સામાન મોકલવાની વાત કરી હતી. જેમાં પૈસા, દાગીના તેમજ કપડાં મોકલવાની વાત વોટ્સએપ દ્વારા કરવામાં આવી હતી. જેથી સામાનના કુરિયર છોડાવવા માટે કેનરા બેન્કમાં રૂ.૮૭,૩૦૦ નાખવા કહેલુ ત્યારબાદ લાલચમાં આવી મહેસાણાના આ વ્યક્તિએ પોતાના ખાતામાંથી ઓનલાઇન મારફતે પૈસા મોકલી આપ્યા હતા.
પ્રથમ વખત કુરિયર છોડાવવા માટે કેનરા બેન્કમાં મહેસાણાના વ્યક્તિએ ૮૭,૩૦૦ રૂપિયા ઓનલાઇન મોકલી આપ્યા હતા. જે બાદમાં દિલ્હી મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ સર્ટિફિકેટ તેમજ છ્સ્ કાર્ડ અને પિન મેળવવા અજાણ્યા વ્યક્તિએ અલગ અલગ બેન્કના ખાતા નમ્બર આપ્યા હતા. જેમાં ભોગ બનનારે ૧૮ ફેબ્રુઆરીથી ૨૫ માર્ચ સુધીમાં પોતાના ખાતામાંથી ૨૩ વાર અલગ અલગ બેન્કમાં કુલ ૨૮ લાખ ૯૦ હજાર ૫૯૩ રૂપિયા મોકલી આપ્યા હતા.
જે બાદમાં ભોગ બનનારના મોબાઈલ નંબર પર કાર્ગો એક્સપ્રેસના કુરિયરની સ્લીપ અને રોયલ બેન્કનો ૪૦ લાખનો ચેક જેમાં ભરેલી હતી. તેમજ મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ સર્ટિફિકેટ અને એટીએમ કાર્ડ ભોગ બનનારને કુરિયર મારફતે મોકલી આપ્યું હતું. તેમજ ૨૮ લાખ આપ્યા છતાં ભોગ બનનારને પોતાનું કુરિયર ના મળતા ભોગ બનનારે સોશિયલ મીડિયામાં મળેલા મિત્ર ડો.પુગેલ રોઝ અને અલગ અલગ નમ્બર પરથી કોલ કરનાર ઈસમો સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.