ઓનલાઈન ક્લાસમાં ‘નેટવર્ક’ સૌથી મોટું નડતર
અમદાવાદ: પહેલી નજરે જાેતાં એવું લાગશે કે, બનાસકાંઠા જિલ્લાના ગામડાંના આ બાળકો મોબાઈલમાં કોઈ ગેમ રમી રહ્યા છે. પાણીની ટાંકી પર ચડીને ગામને ઊંચાઈથી જાેઈ રહ્યા છે અને કંઈક શોધી રહ્યા છે. હા, તેઓ ચોક્કસ કંઈક શોધી રહ્યા છે અને એ છે નેટવર્ક. આ ગામડાંમાં મોબાઈલ નેટવર્ક આવતું ના હોવાથી ઓનલાઈન ક્લાસમાં કેવી રીતે ભણવું તે આ બાળકો માટે મોટો પ્રશ્ન છે ?
છોકરીઓ સહિતના બાળકો વહેલી સવારે તેમની ઘરની નજીકના ઝાડ પર ચડી જાય છે અને કલાકો સુધી તેની ડાળીઓ પર બેસી રહે છે, એ આશાથી કે નેટવર્ક મળી જશે. પરંતુ મોબાઈલમાં નેટવર્ક પકડાય ત્યાં સુધીમાં તો ઓનલાઈન ક્લાસ પૂરા થઈ ગયા હોય છે. અમીરગઢ અને દાંતા તાલુકાના પર્વતીય વિસ્તારોમાં રહેતા ગરીબો માટે તો લેપટોપ અને ડેસ્કટોપ તો સ્વપ્ન સમાન છે. ઘણાં વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન તો છે પરંતુ ભણવા માટે વાપરી શકતાં નથી. શહેરી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને નેટવર્કની સમસ્યા ના હોવાથી તેઓ આરામથી ઓનલાઈન ક્લાસમાં ભણી શકે છે પરંતુ ગામડાંના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ છે.
ધાનપુર ગામમાં રહેતા વિદ્યાર્થી રાહુલ ગમારે કહ્યું, “મોબાઈલ કવરેજ આવે તે માટે હું છાપરા અને ઝાડ પર ચડું છું. પરંતુ તેનાથી કંઈ ખાસ
ફાયદો થતો નથી. ઓનલાઈન અભ્યાસ કરવો મુશ્કેલ છે.” આવી જ સ્થિતિ આ બંને તાલુકાના ૧૫ ગામોમાં જોવા મળે છે. ધાનપુરથી ચાર કિલોમીટરના અંતરે આવેલા વિરમપુર ગામની લોક નિકેતન સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતાં સાગર ધ્રાંગીએ કહ્યું, “અમારી સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ અપાય છે પરંતુ અમારા ગામમાં મોબાઈલ કવરેજ અને નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે ભણવું અશક્ય છે.”
ધાનપુરાની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય માયાભાઈ રાણાએ કહ્યું, “અમારી સ્કૂલમાં ૧૬ શિક્ષકો અને ૩૫૦ વિદ્યાર્થીઓ છે.
ઓનલાઈન ક્લાસ દ્વારા અમે મહત્તમ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ.” ધાનપુરા ગામના ખેડૂત બચુભાઈ ગમારે કહ્યું, “મારા બંને બાળકો ભણે છે પરંતુ મારી પાસે મોબાઈલ નથી અને નેટવર્ક કવરેજ પણ આવતું નથી.”મુકેશ ચાવડાએ કહ્યું, “અમારા શિક્ષકો ઘરે-ઘરે ફરીને વિદ્યાર્થીઓની સમસ્યા ઉકેલવા જશે અને તેમને હોમ-લર્નિંગ મટિરિયલ પણ આપશે.”