ઓફિસમાં IPL પર સટ્ટો રમતા વેપારીઓ જબ્બે
પોલીસની ટિમ એલિસબ્રીજ વિસ્તારના જનપથ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી દુકાનમાં પહોંચી -પ્રોજેક્ટર પર ચેન્નાઇ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ પર સટ્ટો રમાડતો હતો
અમદાવાદ: આઇપીએલ મેચ શરૂ થતા જ સટોડીયાઓ ઘેલમાં આવી ગયા છે. લોકડાઉન બાદ ધંધા રોજગાર ભલે ઠપ થઈ ગયા પણ સટોડીયાઓ તો તગડી કમાણી કરી જ રહ્યા છે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.. તેવામાં અમદાવાદ એલિસબ્રિજ પોલીસે એક ક્વોલિટી કેસ કરી સટોડીયાઓને પકડી ૬.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ તમામ લોકો વેપારની આડમાં ઓફિસમાં પ્રોજેક્ટર પર મેચ જોઈ સટ્ટો રમતા હતા અને પોલીસ ત્રાટકી હતી. એલિસબ્રિજ પોલીસને બાતમી મળી હતી કે, મોબાઈલની દુકાનો ધરાવતા એવા જનપથ કોમ્પ્લેક્સમાં આઇપીએલ મેચ પર કેટલાક વેપારીઓ સટ્ટો રમી રહ્યા છે.
જેથી પોલીસની ટિમ જનપથ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી દુકાન નંબર ૧૧૯માં પહોંચી હતી. પોલીસ પાસે એવી માહિતી હતી કે, આ દુકાનમાં પ્રિન્સ શાહ નામનો વ્યક્તિ બહારથી લોકોને બોલાવી પ્રોજેક્ટર પર ચેન્નાઇ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ પર સટ્ટો રમાડે છે. પોલીસ આ ઓફિસમાં ઘુસી ત્યારે એક કેબિનમાં ગુરુકુલ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતો પ્રિન્સ શાહ બેઠો હતો.
જે આઇડીમાં ૧૦ લાખ જેટલી રકમ ક્રેડિટમાં હોવાનું સામે આવ્યું હતું. આ જ ઓફિસમાં બેઠેલા સુમિત પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પ્રિન્સ શાહના ભાઈ હાર્દિક શાહ ત્યાં મળી આવતા પોલીસે તપાસ કરી તો તેના ફોનમાં બોસ મેનનામથી સેવ કરેલા નંબર પર આઈડી અને પાસવર્ડ તથા સોદાઓના સ્ક્રીન શોટ મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું.
આરોપીઓ જે પ્રોજેક્ટર પર મેચ જોઈને સટ્ટો રમતા હતા તે પણ પોલીસે કબ્જે લઈ આરોપી પ્રિન્સની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે, આ તમામ આઈડી તેણે તેના મિત્ર મનોજ પટેલ પાસેથી ખરીદ્યા હતા. અન્ય આઈડી પ્રહલાદ નગરમાં રહેતા અમિત સિહોરી પાસેથી ૧૦ લાખની ક્રેડિટ લિમિટ સાથે લીધા હતા. આમ પોલીસે ૫.૫૫ લાખ રોકડા, ત્રણ ફોન, એક પ્રોજેક્ટર, એક લેપટોપ સહિત ૬.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.