ઓમર અબ્દુલ્લા હોલિવુડની ફિલ્મો જોઈને સમય ગાળે છે
પેલેસમાં ખુબ જગ્યા હોવાથી તમામ સુવિધાઓઃ મહેબુબા મુફ્તીને મોર્નિંગ વોકની મંજુરીઃ પુસ્તકો વાંચવામાં વ્યસ્ત
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી કસ્ટડીમાં રહેલા નેશનલ કોન્ફરન્સના નાયબ અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા હોલીવુડની ફિલ્મો જાઇને તથા જીમમાં પરસેવો પાડીને સમય ગાળી રહ્યા છે. ઓમર અબ્દુલ્લાને શ્રીનગરના ગુપ્તકર રોડ સ્થિત સરકારી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે. હરિ નિવાસ પેલેસમાં રહેલા ઓમર અબ્દુલ્લા કસ્ટડીમાં તમામ સુવિધાઓ હોવા છતાં પરેશાન દેખાઈ રહ્યા છે. બીજી બાજુ રાજ્યના અન્ય પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીને ચશ્મેશાહીમાં રાખવામાં આવ્યા છે જ્યાં પુસ્તકો વાંચીને સમય ગાળી રહ્યા છે.
તેમને નજીકના મોગલ ગાર્ડન વિસ્તારમાં ફરવાની મંજુરી આપવામાં આવી છે. આ પહેલા બંને નેતાઓને હરિનિવાસમાં રાખવામાં આવ્યા હતા પરંતુ થોડાક દિવસ પહેલા જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. મહેબુબાને ચશ્મેશાહીમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સુત્રોના કહેવા મુજબ ઓમર અબ્દુલ્લાને કસ્ટડીના ગાળા દરમિાયન હોલીવુડ ફિલ્મોની ડીવીડી આપવામાં આવી છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રીને હરિનિવાસની અંદર મોર્નિંગ વોકની મંજુરી પણ આપવામાં આવી છે. આ પેલેસ નવ હેક્ટર વિસ્તારમાં છે
જેમાં જીમ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગુપ્તકર રોડ પર સ્થિત સાંસદ અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાના આવાસની બહાર પોલીસની જીપને જાઈ શકાય છે. ફારુક અબ્દુલ્લાને તેમના આવાસ ઉપર નજરકેદમાં રાખવામાં આવ્યા છે. અન્ય નેતાઓ અને પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોનને પણ જુદી હોટલમાં રાખવામાં આવ્યા છે. કાશ્મીરમાં ઝડપથી સ્થિતિ સામાન્ય બની રહી છે. સામાન્ય સ્થિતિ પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.