ઓમિક્રોનઃ રાજસ્થાનમાં એક જ પરિવારના 4 સભ્યો સહિત 9 લોકો અને મહારાષ્ટ્રમાં 8 કેસની પુષ્ટિઃ કુલ 21 કેસ

નવી દિલ્હી, દેશમાં રવિવારે ઓમિક્રોનના એક જ દિવસમાં 17 કેસ સામે આવ્યાં છે. જેમાં રાજસ્થાનમાં સૌથી વધુ 9 દર્દી મળી આવ્યાં છે. અહીં એક જ પરિવારના 4 સભ્ય હાલમાં જ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 5 લોકોમાં પણ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. આ પહેલાં પુણેમાં એક અને તેની નજીક આવેલા પિંપરી ચિંચવાડમાં 7 લોકોમાં નવો વેરિયન્ટ મળ્યો હતો. દિલ્હીમાં પણ એક દર્દી આ નવા વેરિયન્ટથી સંક્રમિત થયો છે. આ સાથે જ દેશમાં નવા વેરિયન્ટના 5 રાજ્યોમાં 21 કેસ થઈ ગયા છે.
ગુજરાતના જામનગરમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા તેના સંપર્કમાં આવેલા અન્ય લોકોના ટેસ્ટ હાથ ધરતા વધુ બે લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
આ બંને લોકો જે વેરિઅન્ટથી સંક્રમણ થયા છે તે ઓમિક્રોન છે કે નહીં તે જાણવા માટે બંનેના સેમ્પલ લઈ ગાંધીનગરની લેબમાં મોકલી આપ્યા છે. બંને લોકોને હાલ જામનગરની હોસ્પિટલમાં આઈસોલેટ કરી દેવાયા છે.
મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રોનના 8 નવા કેસ સામે આવ્યાં છે. પિંપરી ચિંચવાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ મળી આવેલા 7 લોકોના સેમ્પલ્સને જીનોમ સીક્વેન્સિંગમાં કોરોનાના નવા વેરિયન્ટની પુષ્ટિ કરવામાં આવી છે. આ તમામને કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં નવા વેરિયન્ટના કુલ 21 કેસ સામે આવ્યાં છે, જ્યારે એક જ દિવસમાં ઓમિક્રોનના 17 કેસની પુષ્ટિ થઈ છે. દિલ્હી અને પિંપલી ચિંચવાડ પહેલાં બેંગલુરુ, મુંબઈ અને જામનગરમાં નવા વેરિયન્ટના કેસ મળ્યાં હતા.