ઓમિક્રોનના કુલ કેસનો આંક ૩૮ થયો, છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો ઓમિક્રોનની ઝપેટમાં
નવીદિલ્હી, ઓમિક્રોન વેરિયન્ટે વિશ્વના ૬૩ દેશોમાં ફેલાઈ ગયો છે. સૌથી મોટી ચિંતા એ છે કે તે હવે ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો તેની ઝપેટમાં આવી ગયા છે. દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે ૩૮ થઈ ગઈ છે. આમાંથી મોટાભાગના મહારાષ્ટ્રમાં છે જ્યાં કુલ ૧૮ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજસ્થાન (૯), કર્ણાટક (૩), ગુજરાત (૩), કેરળ (૧), આંધ્રપ્રદેશ (૧), દિલ્હી (૨) અને ચંદીગઢ (૧) કેસ નોંધાઈ ચૂક્યા છે.
ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ૩૮ કેસ નોંધાયા છે. રવિવારે ૫ રાજ્યોમાં ૫ નવા કેસ મળી આવ્યા હતા. કેરળના કોચીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે સંક્રમિત વ્યક્તિ ૬ ડિસેમ્બરે યુકેથી કોચી પરત આવ્યો હતો.
૮ ડિસેમ્બરે કરાયેલા કોવિડ ટેસ્ટમાં તે પોઝિટિવ મળી આવ્યો હતો. જ્યારે, તેની પત્ની અને માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. વિમાનમાં સંક્રમિત વ્યક્તિની નજીકમાં બેઠેલા મુસાફરોને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. જ્યારે, આજે મહારાષ્ટ્રના નાગપુરમાં ઓમિક્રોનનો પહેલો કેસ અને કર્ણાટકમાં ત્રીજા કેસની પુષ્ટિ થઈ છે. ચંદીગઢ અને આંધ્ર પ્રદેશમાં ઓમિક્રોન નવા દર્દીની ઓળખ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૦૪ નવા કેસ નોંધાયા છે. જ્યારે જ્કોરોનાથી ૧૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ, નાગપુરમાં એક ૪૦ વર્ષીય વ્યક્તિ ૫ ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો. તે વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ૧૮ કેસ નોંધાયા છે.HS