ઓમિક્રોનના મામલે હોમ આઈસોલેશન-ક્વોરેન્ટાઈન પીરીયડ ઘટતા બે ફિકર બનતા લોકો?
અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના વધતા જતાં કેસો ચિંતાજનક
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ઓમિક્રોનના હળવા લક્ષણોને કારણે ‘હોમ આઈસોલેશનમાં રહેવુ પડતુ હોવાથી અને ક્વોરેન્ટાઈનનો સમયગાળો ઘટતા હવે નાગરીકો જાણે કે બેફીકર થઈ ગયા છે. બજારોમાં જાહેર સ્થળોએ પ્રસંગોમાં તકેદારી રાખવાનુૃ ભૂલાઈ રહ્યુ છે. તાજેતરમાં જ એવા કેટલાંક રાજકીય-બિનરાજકીય કાર્યક્રમો જાેવા મળ્યા હતા. જેમાં રાજકીય નેતાઓ, અને નાગરીકો-કાર્યકરો સોશ્યલ ડીસ્ટન્સ- માસ્ક વિના ટોળે વળતા નજરે પડતા હતા.
આશ્ચર્યની વાત એ છે કે આમ તો મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેરે છે. પરંતુ એક વર્ગ એવો પણ છે કે જે ‘માસ્ક’ લાંબો સમય પહેરી શકતો નથી. અને અડધુ માસ્ક જ પહેરેલુ નજરે પડે છે. ઓમિક્રોનના હળવા લક્ષણોને કારણે સામાન્ય નાગરીક હવે થોડોક હળવો થઈ ગયો છે. પરંતુ આ હળવાશ તેને ભારે પડી શકે તેમ તબીબો તરફથી ચેતવણી આપવામાં આવી રહી છે.
કોરોના સંક્રમણના કેસોમાં વધઘટ થાય છે. પણ અહીંયા એ નોંધવુ જરૂરી છે કે નાગરીકોની માફક વહીવટી તંત્ર પણ થોડુ ‘રીલેક્સ’ થઈ ગયુ હોય તેમ જણાઈ રહ્યુ છે.
જાહેર સ્થળો, ચાની કિટલીઓ, પાનના ગલ્લાઓ, ખાણીપીણીની બજારમાં જે પ્રકારે અગાઉ અચાનક જ ચેકીંગ હાથ ધરાતુ હતુ અને તેનો એક ડર જાેવા મળતો હતો. એવા દ્રષ્યો આજકાલ જાેવા મળતા નથી તેની પાછળનો તર્ક એ છે કે લગભગ મોટાભાગના નાગરીકોએ વેક્સિનના બંન્ને ડોઝ લઈ લીધા હોવાથી કોરોના જીવલેણ ખુબ જ ઓછા કેસમાં સાબિત થઈ રહ્યો છે. વળી, હોમ ક્વોરેન્ટાઈનની અવધિ ઘટી ગઈ છે.
પહેલાં તો ઘર-હોસ્પીટલોમાં ૯-૧૦ દિવસ સુધી ક્વોરેન્ટાઈન રહેવું પડતુ હતુ. પણ વેક્સિનના બે ડોઝ ખુબ જ અસરકારક સાબિત થઈ રહ્યા છે. તેમ છતાં તકેદારી રાખવી એટલી આવશ્યક છે. તબીબોએ સ્પષ્ટ જણાવ્યુ છે કે ઓમિક્રોનને હળવાશથી લેવામાં આવે નહીં. આગામી દિવસોમાં તકેદારી નહીં રખાય તો કેસની સંખ્યા વધી શકે તેમ છે. અમદાવાદ સહિત રાજેયભરમાં કોરોનાના કેસો જે પ્રકારે વધી રહ્યા છે તે કોઈના પણ માટે ચિંતાનો વિષય છે.HS