ઓમિક્રોનને સુપર માઈલ્ડ મ્યુટેશન ગણાવતા નિષ્ણાતો

વોશિંગ્ટન, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે દુનિયાભરમાં દહેશતનો માહોલ છે. તમામ દેશો નવા નવા પ્રતિબંધો લગાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ઉડાણો અંગે પણ લગભગ તમામ દેશોએ નવેસરથી માર્ગદર્શિકા બહાર પાડી છે. પરંતુ આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) એ હવે જે વાત કરી છે તે હાલાત કરતા અલગ છે. ડબલ્યુએચઓ ની વાત રાહત આપનારી છે.
સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને હાલ વૈજ્ઞાનિકો કોઈ તારણ પર પહોંચ્યા નથી પરંતુ દુનિયાના તમામ દેશ ડેલ્ટાથી પણ વધુ ખતરનાક હોવાની આશંકાના પગલે દહેશતમાં છે. જ્યારે ઓમિક્રોનની સૌથી પહેલી ઓળખ કરરનારા ડોક્ટર ઉપરાંત અન્ય જાણકારોએ તેને ‘સુપર માઈલ્ડ’ મ્યુટેશન ગણાવ્યો છે.
ઓમિક્રોનની સૌથી પહેલી ઓળખ કરનારા ડોક્ટરે પણ કહ્યું હતું કે જે ચાર દર્દીઓમાં સૌથી પહેલા આ વેરિએન્ટ મળી આવ્યો તેમનામાં મામૂલી લક્ષણો હતા અને ખુબ જલદીથી સાજા પણ થઈ ગયા હતા. તેમાંથી કોઈનું મોત પણ થયું નથી. આ બાજુ ડબલ્યુએચઓ એ કહ્યું કે ઓમિક્રોનથી અત્યાર સુધીમાં મોતનો કોઈ કેસ સામે આવ્યો નથી.
આ જ કારણે કોરોના વાયરસ વિશેષજ્ઞો આશ્વસ્ત છે કે નવો ઓમિક્રોન વેરિએન્ટ ‘સુપર માઈલ્ડ’ છે. આ કારણ છે કે ડબલ્યુએચઓ અનેક દેશોને મુસાફરી પ્રતિબંધો હટાવવા અને મોટા પાયે ડર અને અફવાઓ ખતમ કરવાની અપીલ કરી રહ્યું છે.
ડબલ્યુએચઓ નું કહેવું છે કે ડરની જગ્યાએ સાવધાનીપૂર્વક આશાવાદી રહો કારણ કે દક્ષિણ આફ્રિકાના તમામ રિપોર્ટ્સથી જાણવા મળે છે કે નવો ઓમિક્રોન વેરિએન્ટ ગત ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ વધુ ઘાતક નથી.
અમેરિકામાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાઈરેક્ટર ડો.ફ્રાન્સિસ કોલિન્સે કહ્યું કે અત્યાર સુધીના ડેટા પરથી એવું લાગતું નથી કે નવો વેરિએન્ટ ગત કોવિડ-૧૯ વેરિએન્ટની સરખામણીએ વધુ ખતરનાક છે પરંતુ મને લાગે છે કે તે વધુ ચેપી છે.
આ વેરિએન્ટમાં ૩૦થી વધુ મ્યુટેશન છે, ડેલ્ટા વેરિએન્ટથી લગભગ બમણો છે જે તેને વધુ ચેપી બનાવે છે. વિશેષજ્ઞ તેના વિશે વધુ સ્ટડીની જરૂરિયાત પર ભાર મૂકે છે. વિશેષજ્ઞનું કહેવું છે કે સ્પષ્ટ તસવીર સામે આવવામાં હજુ અનેક સપ્તાહ લાગી શકે છે.SSS