ઓર્ગેનિક પદ્ધતિથી આમળાની સફળ ખેતી કરતા ચાણસ્માના ખેડૂત નટવરભાઈ પટેલ
સેન્દ્રિય ખાતર, ગૌમુત્ર, લિંબોળીના તેલના ઉપયોગ દ્વારા કરે છે ઓર્ગેનિક ફાર્મિંગ – પોણા બે વિઘા જમીનમાં આમળાના વાવેતર દ્વારા મેળવે છે ૨૦૦ મણથી વધુનું ઉત્પાદન
પાટણ, ખેતીની સમૃદ્ધિ જમીનની ઉત્પાદકતા તથા ગુણવત્તા તેમજ ખેતી પ્રક્રિયાની પર્યાવરણ પર અસર ઉપર આધારીત છે. જમીનની ગુણવત્તાની જાળવણી સાથે મબલખ પાક મેળવવા ઓર્ગેનિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના નટવરભાઈ પટેલે આમળાની ઓર્ગેનિક ખેતી કરીને ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવા પ્રેરણા પૂરી પાડી છે. માત્ર એક એકરમાં ૨૦૦ મણથી વધુના આંબળાના ઉત્પાદન સાથે મિશ્ર પાક તરીકે ગવાર તથા અડદનો પાક લઈ વધારાની આવક મેળવી છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પર ડ્રોપ મોર ક્રોપ ને સાર્થક કરી પદ્ધતિસરની સિંચાઈ અને ઓર્ગેનીક ખેતી દ્વારા મંડલોપના નટવરભાઈ પટેલ જમીનની ગુણવત્તાની જાળવણી સાથે આમળાનું મબલખ ઉત્પાદન મેળવે છે. પેસ્ટીસાઈડ્સ અને ઝેરી રાસાયણીક ખાતરને અલવિદા કહી પરંપરાગત ખેતી દ્વારા એક એકર જમીનમાં ઓર્ગેનિક આમળાનું ૪૦૦૦ કિલોગ્રામથી વધુનું ઉત્પાદન મેળવે છે. પિતા તરફથી વારસામાં મળેલા પરંપરાગત ખેતીના જ્ઞાન સાથે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી આમળાની યોગ્ય જાત તથા તેની સાથે મિશ્ર પાક લઈ નટવરભાઈએ નફાકારકતા વધારી છે.
બાગાયત વિભાગના સહયોગથી સબસીડી પર આશરે વીસ વર્ષ પહેલા આમળાના છોડનું વાવેતર કરનાર નટવરભાઈ આજે વાર્ષિક રૂ.૧૦૦૦૦ ના ખર્ચ સામે રૂ.૮૦૦૦૦ ની આવક મેળવે છે. સાત વિઘા જમીન પૈકી પોણા બે વિઘા જમીનમાં ૪૦૦૦ કિલોગ્રામથી વધુનાં આમળાનું ઉત્પાદન કરી વર્ષે રૂ.૭૦૦૦૦ નફો મેળવે છે. નટવરભાઈ કહે છે કે, રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગના બદલે ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદીત આમળાના પાકનો વધુ ભાવ મળી રહે છે. મારે ક્યાંય આમળા વેચવા જવું પડતુ નથી પરંતુ મહેસાણા તથા પાટણ જિલ્લામાંથી કેન્ડી બનાવવાની ફેક્ટરીઓ તમામ આમળા ખરીદી લઈ વધુ સારો ભાવ આપે છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સહયોગથી પંદર વર્ષના આમળાની રેસાવાળી જાત સાથે આમળાની એન.એ.૭ જાતની કલમ કરી રેસા વગરના, દળદાર તથા રસથી ભરપુર આમળાનું ઉત્પાદન મેળવનાર નટવરભાઈ માત્ર કુદરતી ખાતરનો જ ઉપયોગ કરે છે. સેન્દ્રિય ખાતર, કહોવાયેલુ છાણિયું ખાતર, શણ અને ગવારના લીલા પડવાસ અને વર્મી કમ્પોસ્ટનો ખાતર તરીકે ઉપયોગ કરી જમીનની ગુણવત્તા જાળવી રાખી છે. તો રાસાયણિક દવાઓના બદલે ગૌમુત્ર, બીજામૃત અને લિંબોળીના તેલ જેવા જૈવિક પદાર્થોનું યોગ્ય મિશ્રણ કરી તેનો છંટકાવ કરી કૃષિ પેદાશની ગુણવત્તા પણ વધારી છે. નટવરભાઈના આમળાના પાકને ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટીફિકેશન એજન્સી, અમદાવાદ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે.
આમળાના ખેતરની વધારાની જમીનના સુચારૂ ઉપયોગ માટે નટવરભાઈએ ખેતરના શેઢા પર ખારેકના ૪૦૦ જેટલા છોડનું વાવેતર પણ કર્યું છે. કચ્છના મુંદ્રા ખાતે આવેલા ખારેક સંશોધન કેન્દ્ર અને ખારેકનું વાવેતર કરનાર ખેડૂતોની મુલાકાત લઈ પોતાના ખેતર માટે ખારેકની શ્રેષ્ઠ જાત પસંદ કરી ખેતરના શેઢા પર વાવણી દ્વારા વધારાની આવક સુનિશ્ચિત કરી છે. આ ઉપરાંત પૂરક અને મિશ્ર પાક તરીકે ગવાર અને અડદનું પણ વાવેતર કર્યુ છે.
વર્ષ ૨૦૧૮માં ઓર્ગેનિક ખેતીમાં વિશેષ પ્રદાન બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂ.૫૧૦૦૦ ઈનામ તથા પ્રશસ્તિપત્ર રૂપે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મેળવનાર ચાણસ્માના મંડલોપ ગામના નટવરભાઈ આત્મા પ્રોજેક્ટમાં ખેડૂત મિત્ર છે. આત્માની જિલ્લા અને તાલુકા કક્ષાની ફાર્મર એડવાઈઝરી કમિટી તથા આત્મા જિલ્લા મેનેજમેન્ટ કમિટીના સભ્ય છે.
ગાંધીનગર ખાતેના આમળા ગોઅર્સ એસોશીએશન ઑફ ગુજરાતના કારોબારી સભ્ય અને ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદના સભ્ય છે. પિતા દ્વારા મળેલા પરંપરાગત ખેતીના જ્ઞાન, વૈજ્ઞાનિક અભિગમ અને આગવી કોઠાસુઝ દ્વારા આમળાની ઓર્ગેનિક ખેતી કરનાર નટવરભાઈને વર્ષ ૨૦૧૨૧૩માં રૂ.૨૫૦૦૦ ઈનામ તથા પ્રશસ્તિપત્ર રૂપે જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ, રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજીત બીજી અનાજ-ઈન્ડિયા મીટ-૨૦૧૭ અંતર્ગત કૃષિ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૨માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજા, ગાંધીનગર ખાતે યોજાયેલી આમળા પાક અને તેની બનાવટોની હરીફાઈમાં આમળાની આણંદ-૨ જાત ગુજરાતમાં પ્રથમ અને એન.એ.૭ જાત ગુજરાતમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો.
એગ્રીકલ્ચરલ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા)માં ખેડૂત મિત્ર તરીકે સક્રિય રહી રાજ્યની અલગ અલગ કૃષિ યુનિવર્સિટી, પ્રગતિશીલ ખેડૂતોની, દિલ્હી અને હરિયાણા ખાતેની વિવિધ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લઈ નટવરભાઈએ કૃષિ અને બાગાયત વિશે માર્ગદર્શન મેળવ્યુ છે. તેઓ ખેડૂતોને રાસાયણિક ખાતરના બિનપદ્ધતિસરના અને વધુ પડતા ઉપયોગને છોડી ઓર્ગેનિક ખેતી તરફ વળવા પ્રેરણા આપે છે.
નવીન કૃષિ સાધનો, ખેત પદ્ધતિના અવનવા સંશોધનો થકી કૃષિ ઉત્પાદનમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ રાજ્ય સરકાર દ્વારા આયોજીત કૃષિમેળાઓમાં જમીનની ગુણવત્તા જળવાઈ રહે તથા ખેડૂતોને લાંબા સમય સુધી વધુ ઉત્પાદન મળી રહે તે માટે ઓર્ગેનિક ખેતી તરફ વળવા અનુરોધ કરવામાં આવે છે. ત્યારે નટવરભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતનો ઓર્ગેનિક ખેતી તરફનો અભિગમ ઉદાહરણરૂપ છે. ( કૌશિક ગજ્જર માહિતી મદદનીશ, પાટણ)