ઓલપાડની સાયણ ડી.આર.જી.ડી. વિદ્યાલયમાં શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો
નિવૃત્ત થયેલા શિક્ષકોએ શાળાનો ઋણ સ્વીકાર કરી ભવિષ્યમાં પણ શાળાને સાથ સહકાર આપવાની તત્પરતા દર્શાવી
ઓલપાડ તાલુકાની શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત ડી.આર.જી.ડી સાર્વજનિક વિધાલય તથા એમ.એલ મહેતા પ્રાથમિક વિભાગનાં વયમર્યાદાથી નિવૃત્ત થનાર ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં અંગ્રેજી વિષયનાં શિક્ષક સુભાષચંદ્ર સોલંકી, અર્થશાસ્ત્રનાં શિક્ષિકા સોનલબેન જોષી, પ્રાથમિક વિભાગનાં શિક્ષિકા તરૂણાબેન મહેતા અને સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર ગુજરાતી અને તત્વજ્ઞાનનાં શિક્ષિકા વીણાબેન પટેલ તથા ફાલ્ગુનીબેન મહેતાનો વિદાય સમારંભ સાયણ સુગર ફેકટરીનાં માજી પ્રમુખ કેતનભાઇ પટેલનાં અધ્યક્ષસ્થાને શાળાનાં પટાંગણમાં યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સમારંભનાં ઉદ્ઘાટક દિપેશ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, સાયણ સુગર ફેકટરીનાં ડિરેકટર નિખિલભાઇ પટેલ, સાંધીએર ગૃપ કો-ઓ કોટન ગ્રોઅર્સ એસોસિયેશનનાં ઉપપ્રમુખ હનિતસિંહ દેસાઈ, મંડળનાં પ્રમુખ હરીશભાઈ માળી, ડો.ગૌરવ પટેલ, સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ દેસાઈ ઉપરાંત મંડળનાં સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. મંડળનાં ઉપપ્રમુખ દર્શનભાઈ નાયકે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતાં. ઉપસ્થિત મહાનુભાવો તથા શિક્ષકો દ્વારા નિવૃત્ત થનાર શિક્ષકોને શાલ ઓઢાડી સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે નિવૃત્ત થનાર શિક્ષકો પોતાનાં કાર્યકાળને વાગોળતા ગદગદિત થયા હતાં. તેઓએ આવનારા દિવસોમાં પણ શાળાને સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી. અંતમાં મંડળનાં પ્રમુખ હરીશભાઈ માળીએ આભારવિધિ કરી હતી.