ઓલપાડ તાલુકા સહકાર ભારતીનાં સંગઠન પ્રમુખ તરીકે કિરીટ પટેલની વરણી
ઓલપાડ તાલુકા સહકાર ભારતીની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા
હાંસોટ : સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં સહકાર ભારતીની એક બેઠકનું આયોજન બળીયાદેવ મંદિર પરિસર, સ્યાદલા ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ મંત્રી જયંતિ કેવટ, દક્ષિણ ગુજરાતનાં સંયોજક પ્રવિણ ટેલર, જિલ્લા અધ્યક્ષ રમેશ પટેલ, તાલુકા અધ્યક્ષ અરવિંદ પટેલ, તાલુકા પ્રમુખ કિરીટ પટેલ અને ઓલપાડ તાલુકા સહકાર ભારતીનાં કારોબારી સભ્યો ઉપરાંત આસપાસનાં ગામનાં સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
દક્ષિણ ગુજરાતનાં સંયોજક પ્રવિણ ટેલરે આ પ્રસંગે સંગઠન પર્વ અંગે વિસ્તૃત માહિતી આપી. તેમણે તાલુકાનાં સંગઠનને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી હતી. જિલ્લા અધ્યક્ષ રમેશ પટેલે નવા સભ્યોની નોંધણી અંગેની માહિતી આપી હતી. પ્રદેશ મંત્રી જયંતિ કેવટે ગામડાની સહકારી મંડળીઓ, મહિલા મંડળો અને યુવક મંડળોને વધુ મજબૂત બનાવી શ્રેષ્ઠ વ્યક્તિઓને સહકારી માળખામાં લાવવા અપીલ કરી હતી.
તેમણે સહકાર ભારતી એક આંદોલન બની રહ્યું છે ત્યારે ‘વિના સંસ્કાર નહિ સહકાર’ મંત્રને ફળિભૂત કરવા આહ્વાન કર્યું હતું. તાલુકા પ્રમુખ કિરીટ પટેલે સહકારનાં માધ્યમ દ્વારા સમૃદ્ધિ તરફ જવા માટે આત્મનિર્ભર અને સ્વાવલંબી ભારત અંગેની સુંદર માહિતી પ્રદાન કરી હતી.બેઠકમાં સર્વાનુમતે સહકાર ભારતીનાં તાલુકા સંગઠન પ્રમુખ તરીકે બાહોશ યુવા કાર્યકર કિરીટભાઈ જયંતિભાઈ પટેલની વરણી થતાં સમસ્ત સ્યાદલા ગામ તેમજ તાલુકામાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી.