ઓલ ઈન્ડિયા ATFના ચેરમેન મનિન્દરજીતસિંહ બિટ્ટાએ મા ખોડલના કર્યા દર્શન
મનિન્દરજીત સિંહ બિટ્ટાએ ખોડલધામની મુલાકાત લઈ ધન્યતા અનુભવી |
કાગવડ, જેતપુરઃ વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મા ખોડલના દર્શનાર્થે આવે છે. સામાન્ય વ્યક્તિથી લઈને દેશ-વિદેશના જાણીતા વ્યક્તિઓ પણ મા ખોડલના ધામમાં આવીને ધન્યતા અનુભવે છે ત્યારે 7 નવેમ્બરના રોજ ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિન્દરજીત સિંહ બીટ્ટાએ ખોડલધામ મંદિરે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ લીધા હતા.
7 નવેમ્બરને ગુરુવારના રોજ ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને રાષ્ટ્રીય સામાજિક કાર્યકર્તા એવા મનિન્દરજીત સિંહ બિટ્ટા સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન તેઓ રાજકોટથી મોટરમાર્ગે કાગવડ ગામ નજીક આવેલા સુપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ખોડલધામ મંદિરે પહોંચ્યા બાદ મનિન્દરજીત સિંહ બિટ્ટાએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મનિન્દરજીત સિંહ બિટ્ટાજીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. માતાજીના દર્શન બાદ મનિન્દરજીત સિંહ બિટ્ટાએ કલાનો વારસો ધરાવતા ખોડલધામ મંદિરને નિહાળ્યું હતું.
ઉપરાંત મંદિર પરિસરમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓને પણ નજીકથી નિહાળી હતી. બાદમાં મનિન્દરજીત સિંહ બિટ્ટાએ ખોડલધામ મંદિરના અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ પણ લીધો હતો. ખોડલધામની મુલાકાત બાદ મનિન્દરજીતસિંહ બિટ્ટાએ શ્રી ખોડલધામ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ બિરદાવી હતી અને મા ખોડલના દર્શનથી અભિભૂત થયા હતા.
મહત્વનું છે કે મનિન્દરજીત સિંહ બિટ્ટા ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના બેનર હેઠળ સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. ખાસ કરીને તેઓ શહીદ સૈનિકો અને આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને મદદરૂપ થવાનું કાર્ય કરી રહ્યા છે. સાથે જ દેશમાંથી આતંકવાદના નિર્મૂલન માટે પણ મૂહિમ ચલાવી રહ્યા છે. તેઓ શહીદ વીર ભગતસિંહથી ખૂબ જ પ્રભાવિત છે.