ઓળખ છુપાવવા મજબૂર છે કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા સમલૈંગિક કર્મચારીઓ
ગે લોકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે.
અત્યાર સુધી ભારતના કોર્પોરેટ માળખામાં કામ કરતા સમલૈંગિક કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરનારા ઘણાં ઓછા અભ્યાસ થયા છે.
અમદાવાદ,વર્ષ ૨૦૧૮માં ઈન્ડિયન પીનલ કોડમાંથી વિવાદાસ્પદ કલમ ૩૭૭ને નાબૂદ કરવામાં આવી. પરંતુ આ કલમ રદ્દ થઈ જવાને કારણે પણ તેની સાથે જાેડાયેલા લોકોની સ્થિતિમાં સુધારો નથી આવ્યો. ખાસકરીને જાે કોર્પોરેટ સેક્ટરની વાત કરીએ તો, ભારતમાં આ ક્ષેત્રમાં ગે લોકો સાથે આજે પણ ઓરમાયું વર્તન કરવામાં આવે છે. IIM અમદાવાદ અને MDI ગુરુગ્રામ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, સેક્શન ૩૭૭ તો રદ્દ કરી દેવામાં આવ્યો પરંતુ ભારતના કોર્પોરેટ સેક્ટમાં હજી પણ મોટા સુધારાની જરૂર છે.
આજે પણ મોટાભાગના લોકો પોતાના બોસ અથવા મેનેજર સમક્ષ પોતાની જાતીય ઓળખ છુપાવતા હોય છે. તેઓ પોતાની કારકિર્દીને નુકસાન ન પહોંચે તે બેવડું જીવન જીવવા માટે મજબૂર બનતા હોય છે. જ્યારે સંશોધકો દ્વારા ગે અને લેસ્બિયન અધિકારીઓ અને સંચાલકો સાથે વાતચીત કરવામાં આવી તો જાણવા મળ્યું કે, તેઓ પોતાના સાથી કર્મચારીઓ પર વિશ્વાસ કરી શકે છે અને તેમનો સહયોગ પણ મળતો હોય છે. ‘From Fear to Courage:Indian Lesbians’ And Gays’ Quest for inclusive ethical organizations’ મથાળા હેઠળ તૈયાર કરવામાં આવેલા અભ્યાસના લેખકો આઈઆઈએમ-અમદાવાદથી અર્નેસ્ટો નોરોન્હા અને પ્રેમિલા ડિક્રૂઝ તેમજ એમડીઆઈ ગુરુગ્રામથી નિધિ એસ બિષ્ટ છે.
તાજેતરમા જ જર્નલ ઓફ બિઝનેસ એથિક્સ મેગેઝિનમાં અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ભારતની મોટી કંપનીઓમાં કામ કરતા ૪૦ સમલૈંગિક કર્મચારીઓના અનુભવનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ભારતના કોર્પોરેટ માળખામાં કામ કરતા સમલૈંગિક કર્મચારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરનારા ઘણાં ઓછા અભ્યાસ થયા છે.
આ ઈન્ટર્વ્યુમાં ઘણી મહત્વની વાતો સામે આવી છે, ઉદાહરણ તરીકે, મોટાભાગના લોકોએ જણાવ્યું કે તેઓ બેવડું જીવન જીવી રહ્યા છે. આટલુ જ નહીં, મિત્રો, સહકર્મચારીઓ અથવા પરિવારના લોકો માટે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ અલગ અલગ હોય છે. સંશોધનમાં ભાગ લેનારા સમલૈંગિંક કર્મચારીઓએ જણાવ્યું કે, તેઓ એવો અભિનય કરતા હોય છે કે જાણે તેઓ સમલૈંગિક નથી અને અન્ય લોકો સાથે ભળી જતા હોય છે. તેમને ડર હોય છે કે જાે હકીકત સામે આવશે તો કદાચ તેમને અલગ પાડી દેવામાં આવશે અથવા પરેશાન કરવામાં આવશે.
મોટોભાગના કર્મચારીઓને અન્ય લોકો તેમના લગ્ન, સામાજીક જીવન, પ્રેમિકા-પ્રેમી વિશે પ્રશ્નો પૂછતા હોય છે. સંશોધકો જણાવે છે કે, જ્યારે કર્મચારીઓને લાગે તે તેમના કોઈ સહકર્મચારી પર વિશ્વાસ કરી શકાય તેમ છે અથવા તે સમજદાર છે તો તે પોતાની હકીકત જણાવે છે. તેઓ પોતાના સહકર્મચારી સાથે પહેલા ન્ય્મ્ના અધિકારો, આ વિષય પર બનેલી ફિલ્મો વગેરેની ચર્ચા કરે છે, જેના પરથી અંદાજાે આવી જાય કે તેમની કેવી પ્રતિક્રિયા હશે.IIM-Aમાં ઓર્ગેનાઈઝેશનલ બિહેવિયરનો અભ્યાસ કરાવનારા પ્રોફેસર નોરોન્હા જણાવે છે કે, આ અભ્યાસમાં ભાગ લઈ શકે તેવા લોકો શોધવા અમારા માટે મોટો પડકાર હતો.
પરંતુ જ્યારે અમે તે કર્મચારીઓને શોધ્યા, તેમણે અમને ઘણી મહત્વની જાણકારી આપી. આ અભ્યાસના માધ્યમથી અમે હ્યુમન રિસોર્સ પોલિસી માટે પણ કેસ તૈયાર કર્યો છે, જેનાથી તેમને કામ કરવા માટે યોગ્ય વાતાવરણ મળી શકે. અભ્યાસમાં સામે આવ્યું છે કે જ્યારે વાત હકીકત સામે લાવવાની આવે ત્યારે ગે પુરુષોની સરખામણીમાં લેસ્બિયન મહિલાઓએ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે અમુક જ કંપનીઓમાં તમામ પ્રકારના લોકોને આવરી લેતી પોલિસી છે,
તેમ છતાં ભાગ્યે જ કર્મચારીઓ પોતાના બોસ અથવા મેનેજરને પોતાની જાતિય ઓળખ જણાવતા હોય છે. તેમને ડર હોય છે કે આ વાત સામે આવ્યા પછી કદાચ તેમના પગાર ધોરણ, પ્રમોશન, વગેરે પરિબળો પ્રભાવિત ના થાય. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે,Inclusive Organizations હોવા જરૂરી છે, જેનો અર્થ છે, કોઈ પણ પ્રકારની જાતિય ઓળખ ધરાવતા કર્મચારી હોય, તે સ્ત્રી હોય, પુરુષ હોય, ગે હોય, લેસ્બિયન હોય, તેમના માટે સુરક્ષિત, એથિકલ અને વિશ્વાસપાત્ર વાતાવરણ પૂરું પાડવામાં આવે.
LGBTQ સંપ્રદાય સાથે કામ કરતા લક્ષ્ય ટ્રસ્ટના સ્થાપક સિલ્વેસ્ટર મર્ચન્ટ જણાવે છે કે, કાયદામાં છે બદલાવ થયો છે તેની કોર્પોરેટ ક્ષેત્રમાં અસર દેખાતા વાર લાગશે. પરંતુ ચોક્કસપણે સ્થિતિ બદલાઈ રહી છે. અમે પાછલા થોડા વર્ષોમાં ગુજરાતમાં વિવિધ કોર્પોરેટ સંકુલો માટે અવેરનેસ પ્રોગ્રામ અને વર્કશોપનું આયોજન કર્યું છે. અમને નથી ખબર કે કેટલી કંપનીઓએ ખરેખર પોલિસી તૈયાર કરી, પરંતુ શરુઆત તો થઈ છે.sss