ઓવૈસીની પાર્ટી એક પ્રકારે ભાજપની જ બી ટીમ છેઃ ઈમરાન ખેડાવાલા
અમદાવાદ, ગુજરાતમાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જેમ-જેમ તારીખ નજીક આવતી જાય છે, તેમ-તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. ગુજરાતમાં આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકામાં મતદાન યોજાશે.
આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથો-સાથ આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી એઆઇએમ પણ ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. શું ગુજરાતમાં એઆઇએમની એન્ટ્રીથી કોંગ્રેસના પારંપરિક વોટ બેંકમાં ગાબડુ પડશે? મુસ્લિમ મતદારો કોને મત આપશે? આવા અનેક સવાલો ઉભા થયા છે.
ત્યારે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યુંકે, ઓવૈસી ખાલી વાતો કરે છે. એ સેના વગરનો કમાન્ડર થઈને ફરે છે. તેની પાસે કોઈ સેના નથી. જ્યારે કોંગ્રેસ પક્ષ પાસે કરોડો કાર્યકરોની વિશાળ સેના છે. ઓવૈસી એરમાર્શલ છે. જ્યારે અમે ફિલ્ડ માર્શલ છીએ. હવામાં ગપગોળા કરવાથી ગુજરાતમાં ઓવૈસીનો મેળ નહીં પડે. ઓવૈસીના આવવાથી ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે.