ઓવૈસીને ડીસેન્ટ માણસ સમજતી હતી, યુપીમાં નહીં ચાલે : ઉમા ભારતી
નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ અનેક મુદ્દે ઈન્ટરવ્યુ આપ્યો હતો. ઉત્તર પ્રદેશમાં એઆઇએમઆઇએમના અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી મુદ્દે ઉમા ભારતીએ જણાવ્યું કે, મને ‘એન્ટી મજનૂ સ્ક્વોડ’ યાદ છે, તેમની જબાન લડખડાતી રહે છે.
ઉમા ભારતીએ કહ્યું કે, તેઓ પહેલા ઓવૈસીને એક સભ્ય વ્યક્તિ સમજતા હતા પરંતુ આ ઉત્તર પ્રદેશ છે, ત્યાં આ બધું નહીં ચાલે. હકીકતે અસદુદ્દીન ઓવૈસીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે તેઓ યુપીમાં લૈલા બની ગયા છે અને યુપીના સીએમ મજનૂની જેમ તેમને યાદ કરે છે.
ઉમા ભારતીએ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ જલ્દી સાજા થઈ જાય તેવી લાગણી પણ દર્શાવી હતી. વધુમાં રામ મંદિરના નિર્માણમાં પહેલી આહુતિ કલ્યાણ સિંહે આપી, પછી મોદીજીએ સંભાળ્યુ તેમ કહ્યું હતું.ઉમા ભારતીએ યુપીના રાજકારણ અંગે વાત કરી હતી.
ઉમા ભારતીએ બહુજન સમાજ પાર્ટીના પ્રબુદ્ધ સંમેલન અંગે કહ્યું કે, માયાવતીજી પોતે તો બહાર નથી નીકળતા અને બ્રાહ્મણોની વાત કરી રહ્યા છે, આ પ્રયત્નો અસફળ રહેશે. સતીશ મિશ્રના રામ મંદિર અંગેના નિવેદન માટે ભાજપના નેતાએ કહ્યું કે, આપણા વડાપ્રધાને રામલલ્લા સામે દંડવત પ્રણામ કર્યા, તેઓ ભૂમિપૂજનમાં સામેલ પણ થયા. આ એ જ બસપાના લોકો છે જે પહેલા મંદિરની જગ્યાએ શૌચાલય બનાવવા ઈચ્છતા હતા. ઉમા ભારતીએ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધીને કહ્યું કે, શાસન-પ્રશાસનમાં યોગી સરકારે સારૂ કામ કર્યું છે, સપાના તમામ ખેલ હવે પૂરા થયા છે.
ઉમા ભારતીએ વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે આ વખતે ભાજપને પહેલા કરતા વધારે બેઠકો મળશે તેમ જણાવ્યુ હતું. જ્યારે મંત્રીમંડળ-મુખ્યમંત્રીના ચહેરા માટે પાર્ટી કહે તેના પર રહેશે તેમ કહ્યું હતું. સાથે જ તેમનો સૌનો ચહેરો કમળ છે તેમ પણ કહ્યું હતું.