ઓસી.ને આઠ વિકેટે હરાવીને ભારતે શ્રેણી બરોબર કરી
નવી દિલ્હી: બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટથી હરાવી દીધું છે. ૭૦ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતે શરૂઆતમાં મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાની વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ કેપ્ટન અજિંક્ય રહાણે અને શુભમન ગિલે ધીરજપૂર્વકની રમતનું પ્રદર્શન કરીને ભારતને મેલબોર્ન ટેસ્ટમાં સન્માનજનક જીત અપાવી છે.
અજિંક્ય રહાણેને તેની પહેલી ઇનિંગમાં મારેલી અગત્યની સદીને ધ્યાને લઈ મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હવે ભારત અને ઓસ્ટ્રેલિયા ૧-૧ ટેસ્ટ જીતી સરસાઈ પર છે. બાકીની બે ટેસ્ટ વધુ રસપ્રદ બની રહેશે.
અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટને ૮ વિકેટે જીતી લીધી છે. આ સાથે જ ૪ ટેસ્ટની સીરિઝમાં ભારતની ટીમ ૧-૧ની બરાબરી કરી લીધી છે. બીજી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ આપેલા ૭૦ રનના ટાર્ગેટને ભારતીય ટીમે ૧૫.૫ ઓવરમાં ૨ વિકેટના નુકસાન પર સરળતાથી હાંસેલ કરી લીધો હતો.
જેમાં શુભમન ગિલે ૩૬ બોલમાં ૭ ચોગ્સા સાથે અણનમ ૩૫ રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ ૪૦ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા ચોથા દિવસની રમતના લંચ બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતે ૨૦૦ રનમાં ઓલઆઉટ કરી દીધી. ચોથા દિવસની રમતની શરૂઆત ઓસ્ટ્રેલિયાએ ૬ વિકેટના નુકસાને ૧૩૩ રનથી કરી હતી. જેમાં કેમરૂન ગ્રીને બીજી ઈનિંગ્સમાં મહત્વપૂર્ણ ૪૫ રનનું યોગદાન આપ્યું હતું.
પેટ કમિન્સે પણ ૨૨ રન, તથા મિચેલ સ્ટાર્કે ૧૪ રન અને જાેશ હેઝલવૂડે ૧૦ રનનું યોગદાન આપ્યું હતું. એક સમયે ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૫૦ સુધી પણ નહીં પહોંચી તેમ લાગી રહ્યું હતું, પરંતુ નીચલા ક્રમના બેટ્સમેનોએ ટીમની લાજ રાખતા સ્કોરને ૨૦૦ સુધી પહોંચાડી દીધો હતો.
બીજી ઇનિંગ્સમાં ભારતીય બોલર્સે ચોથા દિવસની રમતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં મોહમ્મદ સિરાજે ૨૧.૩ ઓવરમાં ૩૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી, જ્યારે જાડેજા, બુમરાહ, અને રવિચંદ્રન અશ્વિનને ૨-૨-૨ વિકેટો મળી હતી. બીજી ઇનિંગ્સમાં ઈજાગ્રસ્ત થઈ ગયેલા ઉમેશ યાદવે પણ ૧ વિકેટ લીધી હતી. મેચ દરમિયાન અજિંક્ય રહાણેની કેપ્ટનશીપની પૂર્વ ક્રિકેટર્સ ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. આ પહેલા ભારતની પહેલી ઈનિંગ્સમાં એજિંક્ય રહાણેએ ટેસ્ટમાં બીજા દિવસે સદી ફટકારી હતી.
આ રહાણેની ૧૨મી ટેસ્ટ સદી હતી. જેમાં તેણે ૧૧ ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ રહાણે મેલબોર્નમાં સદી ફટકારનારો બીજાે ભારતીય કેપ્ટન બની ગયો છે.
આ પહેલા સચિન તેંડુલકરે આ જ મેદાન પર ૧૯૯૯-૨૦૦૦માં સદી ફટકારી હતી. ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરીએ તો પહેલી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં સરસાઈ મેળવ્યા બાદ પણ ટીમ માત્ર ૩૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
જે ભારતીય ટીમનો ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર હતો. જેના કારણે દુનિયાભરમાં ટીમ હાંસીને પાત્ર બની હતી. એવામાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે પર ટીમને જીત અપાવવાનું વધારે પ્રેશર હતું. રહાણેએ પોતાની કેપ્ટનશીપથી અનેક ક્રિકેટ દિગ્ગજાેને પોતાના પ્રશંસક બનાવી દીધા હતા.